લંડનઃ કિંગ ચાર્લ્સ તૃતીયને યુકેના કરદાતાઓના ભોગે મોટો પગાર વધારો આપવાની યોજના તૈયાર થઇ રહી છે. વર્ષ 2025થી કિંગ ચાર્લ્સના પગારમાં 45 ટકાનો વધારો કરવાની સરકાર યોજના બનાવી રહી છે. ટ્રેઝરી દ્વારા પ્રસિદ્ધ કરાયેલા રોયલ ફંડિંગની સમીક્ષામાંથી આ માહિતી બહાર આવી છે. તેમાં જણાવ્યા અનુસાર રાજવી પરિવારની ગ્રાન્ટ 85 મિલિયન પાઉન્ડથી વધારીને 125 મિલિયન પાઉન્ડ કરાશે. રાજવી પરિવારના વાર્ષિક બજેટને સોવેરિન ગ્રાન્ટ તરીકે ઓળખાય છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રાજવી પરિવારના પગારમાં મોટો વધારો થવા જઇ રહ્યો છે પરંતુ તેનો અમલ આગામી બે વર્ષ સુધી કરાશે નહીં. આગામી વર્ષે પણ સોવેરિન ગ્રાન્ટ 86.3 મિલિયન પાઉન્ડ જ રહેશે. જોકે 2025માં કિંગ ચાર્લ્સને અપાતું પબ્લિક ફંડિંગ 38.5 મિલિયન પાઉન્ડ થશે જેના પગલે રાજવી પરિવારને અપાતું વાર્ષિક સ્ટાઇપેન્ડ 124.8 મિલિયન થશે. 2026માં આ આંકડો 126 મિલિયન પર પહોંચશે.


