લંડનઃ ઇંગ્લિશ ચેનલ પાર કરીને યુકે આવતા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સની સંખ્યા 2025ના પ્રથમ ચાર મહિનામાં રેકોર્ડ સ્તરને પાર કરી ગઇ છે. શનિવારે 11 નાની હોડીમાં સવાર થઇને 656 માઇગ્રન્ટ્સ યુકે આવી પહોંચતા 2025માં આવેલા માઇગ્રન્ટ્સની સંખ્યા 8064 પર પહોંચી ગઇ હતી. 2024ના પ્રથમ 4 માસમાં 7567 માઇગ્રન્ટ્સ ઇંગ્લિશ ચેનલ પાર કરીને યુકે આવ્યા હતા.
હોમ ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સરકાર અસાયલમ સિસ્ટમ વ્યવસ્થિત કરવા માટેની ગંભીર વિશ્વસનીય યોજના ધરાવે છે અને માનવ તસ્કર ગેંગોના માળખાને તોડી પાડવા તમામ પ્રયાસ કરશે. 2023માં આજ સમયગાળામાં 5946 અને 2022માં 6691 માઇગ્રન્ટ્સ ચેનલ પાર કરીને આવ્યા હતા.
સરકારે 2025ના પ્રારંભે માનવતસ્કરી અટકાવવા શ્રેણીબદ્ધ પગલાંની જાહેરાત કરી હતી હોમ ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આપણે બધા ભયજનક રીતે ચેનલ પાર કરવાની પ્રવૃત્તિને અટકાવવા માગીએ છીએ. તેના કારણે માનવ જિંદગીઓ ભયમાં મૂકાવાની સાથે આપણી સરહદી સુરક્ષા પણ જોખમાઇ રહી છે.
બીજી તરફ શેડો હોમ સેક્રેટરી ક્રિસ ફિલિપે આ આંકડાઓને રાષ્ટ્રીય નિરાશા ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન સ્ટાર્મર સરહદો પરનું નિયંત્રણ ગુમાવી ચૂક્યા છે. માનવ તસ્કર ગેંગો બ્રિટિશ સરકારની હાંસી ઉડાવી રહી છે.