2025નું વર્ષઃ ભારત અને યુકે વચ્ચેના સંબંધો માટે ઐતિહાસિક બની રહ્યું

મુક્ત વેપાર કરારની સફળતા ઉપરાંત રાજકીય, આર્થિક અને પીપલ ટુ પીપલ સંબંધોના પ્રસંગોએ વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઇ પર પહોંચાડી

Tuesday 30th December 2025 09:11 EST
 
 

લંડનઃ વર્ષ 2025 વિદાય લઇ રહ્યું છે અને 2026ના પડઘમ વાગી રહ્યાં છે ત્યારે 2025નું વર્ષ ભારત અને યુકે વચ્ચેના સંબંધો માટે અત્યંત મહત્વનું પૂરવાર થયું છે. બંને દેશ વચ્ચે મુક્ત વેપાર કરારને સફળતા મળી તો સાથે સાથે ઘણા રાજકીય, આર્થિક અને પીપલ ટુ પીપલ સંબંધોના પ્રસંગોએ વ્યૂહાત્મક સંબંધોને નવી ઊંચાઇ પર પહોંચાડ્યા છે. આમ જોવા જઇએ તો વર્ષ 2025 ભારત અને યુકે વચ્ચેના જટિલ સંબંધોના પ્રતિબિંબ સમાન પૂરવાર થયું છે. બંને દેશ વચ્ચે ઐતિહાસિક કરારો થયાં છે તો બ્રિટિશ સરકારે ઇમિગ્રન્ટ્સ સામે આકરાં વલણ પણ અપનાવ્યાં છે.

યુકે-ભારત મુક્ત વેપાર કરાર

વર્ષ 2025નો સૌથી મહત્વનો માઇલસ્ટોન બંને દેશ વચ્ચેનો મુક્ત વેપાર કરાર ગણી શકાય. તે ઉપરાંત આગામી એક દાયકામાં ભારત અને યુકે વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા 2035 રોડમેપ પણ તૈયાર થઇ શક્યો હતો. યુકે ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડના એનાલિસિસ પ્રમાણે મુક્ત વેપાર કરારના કારણે બંને દેશ વચ્ચેના વેપારમાં 25 બિલિયન પાઉન્ડ કરતાં વધુનો વધારો થશે. હાલ બંને દેશ વચ્ચેનો કુલ વેપાર 44.1 બિલિયન પાઉન્ડ છે.

યુકે- ઇન્ડિયા વિઝન 2035

યુકે ઇન્ડિયા વિઝન 2035 અંતર્ગત 10 વર્ષના રોડમેપ દ્વારા બંને દેશની સરકારો ડિફેન્સથી એજ્યુકેશન સહિતના તમામ સેક્ટરોમાં સહકાર સાધીને વ્યૂહાત્મક લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા છે. સૌથી સારા પરિણામ હાયર એજ્યુકેશનમાં જોવા મળે તેવી આશા છે. ઓછામાં ઓછી 9 બ્રિટિશ યુનિવર્સિટી વર્ષ 2026માં ભારતમાં કેમ્પસ શરૂ કરવાની યોજના તૈયાર કરી ચૂકી છે.

કરભારણના કારણે અમીર ભારતીયોની બ્રિટનને અલવિદા

જોકે 2025ના વર્ષમાં નોન ડોમ સ્ટેટસમાં બદલાવ અને ઊંચા કરવેરાના કારણે યુકે છોડી રહેલા અમીરોની સંખ્યામાં મોટો વધારો જોવા મળ્યો. સ્ટીલ ટાયકૂન લક્ષ્મી મિત્તલ જેવા ઘણા અમીરો દુબઇ જેવા ઓછા કરવેરા ધરાવતા શહેરોમાં સ્થળાંતરની યોજના બનાવી ચૂક્યાં છે.

ભારતીય ડાયસ્પોરાએ ઘણા ગણમાન્ય વ્યક્તિ ગુમાવ્યા

2025ના વર્ષમાં બ્રિટનના ભારતીય ડાયસ્પોરાએ ઘણા ગણમાન્ય વ્યક્તિઓને ગુમાવ્યા. જેમાં હોટેલિયર જોગિન્દર સેન્ગર, હિન્દુજા ગ્રુપના કો-ચેરમેન જી પી હિન્દુજા, કેપેરો ગ્રુપના સ્થાપક લોર્ડ સ્વરાજ પોલ, ઇકોનોમિસ્ટ લોર્ડ મેઘનાદ દેસાઇનો સમાવેશ થાય છે.

સૌથી મોટી કરૂણાંતિકાઃ અમદાવાદ પ્લેન ક્રેશ

2025માં ભારતીય ડાયસ્પોરા માટે સૌથી કરૂણ ઘટના અમદાવાદ ખાતે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ હતી. આ કરૂણાંતિકા ઘણા બ્રિટિશ ભારતીય પરિવારો માટે ડાર્કેસ્ટ ટ્રેજેડી પૂરવાર થઇ. અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ તરફ રવાના થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ ઉડાનની થોડી જ મિનિટોમાં ધરાશાયી થતાં તેમાં સવાર 242 પ્રવાસી અને ક્રુ મેમ્બરના મોત થયાં હતાં. ફક્ત વિશ્વાસ કુમાર રમેશ નામના પ્રવાસીનો જ ચમત્કારિક બચાવ થયો હતો.

અપરાધીઓના મામલામાં ભારત માટે મિશ્ર વર્ષ

ભારતમાં આર્થિક અપરાધો આચરીને બ્રિટનમાં આશ્રય લઇ રહેલા ભાગેડુઓના પ્રત્યર્પણ માટેની કાયદાકીય લડાઇ ઘણા વર્ષોથી ચાલી રહી છે અને હજુ ભારતને તેમાં સફળતા હાંસલ થઇ રહી નથી. વિજય માલ્યા જામીન પર મુક્ત થઇને બ્રિટનમાં આરામથી રહે છે તો નીરવ મોદીના કેસની પુનઃસુનાવણી માર્ચ 2026 સુધી ટાળી દેવાઇ છે. શસ્ત્ર વચેટિયા સંજય ભંડારી માનવ અધિકારના નામે પોતાનું પ્રત્યર્પણ અટકાવવામાં સફળ રહ્યાં છે. બીજીતરફ યુકે સરકારે પહેલીવાર ખાલિસ્તાની તત્વો અને સંગઠનો સામે પગલાં લેવાની શરૂઆત કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter