2025માં 60,000 કરતાં વધુ માઇગ્રન્ટને રાજ્યાશ્રયની સંભાવના

હાલ 1,19,000 માઇગ્રન્ટની રાજ્યાશ્રયની અરજી પડતર છે

Tuesday 22nd October 2024 09:10 EDT
 
 

લંડનઃ સત્તામાં આવ્યા બાદ લેબર સરકારે ટોરી સરકારની રવાન્ડા યોજના રદ કરી નાખી હતી. હવે સ્ટાર્મર સરકાર આગામી વર્ષમાં 60,000 કરતાં વધુ માઇગ્રન્ટને રાજ્યાશ્રય આપશે. રેફ્યુજી કાઉન્સિલના જણાવ્યા અનુસાર હાલમાં 1,19,000 માઇગ્રન્ટ્સ દ્વારા રાજ્યાશ્રયની માગ કરાઇ છે. તેમાંથી 62,800 માઇગ્રન્ટને રાજ્યાશ્રય અપાય તેવી સંભાવના છે. તેમાં ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવનારા માઇગ્રન્ટનો પણ સમાવેશ થાય છે.

અગાઉની રિશી સુનાક સરકાર દ્વારા લાગુ કરાયેલા ઇલલીગલ માઇગ્રેશન એક્ટ અંતર્ગત યુકેમાં ગેરકાયદેસર રીતે આવનારા માઇગ્રન્ટને રવાન્ડા મોકલી આપવાની યોજના હતી. પરંતુ લેબર સરકારે રાજ્યાશ્રયની માગ કરનાર માઇગ્રન્ટ પરના પ્રતિબંધ હટાવી લીધાં છે.

રેફ્યુજી કાઉન્સિલના જણાવ્યા અનુસાર રાજ્યાશ્રયનો દાવો કરનારા 1,18,882 માઇગ્રન્ટ પૈકીના 53 ટકાને રાજ્યાશ્રય મળવાની સંભાવના છે. તેમાં અફઘાનિસ્તાનથી આવેલા 96 ટકા, ઇરાનથી આવેલા 82 ટકા, સીરિયાથી આવેલા 99 ટકા, ઇરિટ્રિયાથી આવેલા 99 ટકા, સુદાનથી આવેલા 99 ટકા માઇગ્રન્ટ્સને રાજ્યાશ્રય મેળવવામાં સફળતા મળશે.

2024માં અત્યાર સુધી 27,500 કરતાં વધુ માઇગ્રન્ટે ઇંગ્લિશ ચેનલ પાર કરી

સત્તામાં આવતા પહેલાં વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવતા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને અટકાવવાના મસમોટા દાવા કર્યા હતા પરંતુ તેમના 100 દિવસના શાસનમાં ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવતા માઇગ્રન્ટ્સને અટકાવવામાં સરકારને જરાપણ સફળતા મળી નથી. ઉલટાનું 2023ની સરખામણીમાં 2024ના પ્રથમ 10 મહિનામાં ઇંગ્લિશ ચેનલ પાર કરનારા માઇગ્રન્ટ્સની સંખ્યા વધી ગઇ છે. 16 ઓક્ટોબર 2024 સુધીમાં 27,500 કરતાં વધુ માઇગ્રન્ટ ઇંગ્લિશ ચેનલ પાર કરીને યુકે પહોંચ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter