લંડનઃ યુકેમાં ગેરકાયદેસર કામ કરનારાની ધરપકડ રેકોર્ડ સ્તર પર પહોંચી છે. નેઇલ બાર્સ, કાર વોશ, બાર્બર્સ અને ટેક અવે પર પોલીસ અને ઇમિગ્રેશન દરોડામાં વર્ષ 2025માં 12,791 સ્થળો પર દરોડાની કાર્યવાહી કરાઇ હતી. 2024માં આ આંકડો 8122 હતો જે 2025માં 57 ટકાનો વધારો દર્શાવે છે. 2025ના દરોડામાં 8971 ગેરકાયદેસર કામ કરનારની ધરપકડ કરાઇ હતી. 2024માં આ આંકડો 5647 હતો. આમ ધરપકડોમાં પુણ 59 ટકાનો વધારો થયો હતો. ધરપકડ કરાયેલા પૈકીના 1087 માઇગ્રન્ટ્સને યુકેમાંથી દેશનિકાલ કરાયાં છે.
હોમ સેક્રેટરી શબાના માહમૂદે જણાવ્યું હતું કે, યુકેમાં ગેરકાયદેસર નોકરીને કોઇ સ્થાન નથી. તેથી અમે બ્રિટિશ ઇતિહાસના સૌથી ઊંચા સ્તરે દરોડાની કાર્યવાહી કરી રહ્યાં છીએ જેથી ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ છૂપાઇ ન શકે.
હોમ ઓફિસે જણાવ્યું હતું કે, લેબર સરકાર સત્તામાં આવ્યા પછી દરોડાની કાર્યવાહીમાં 77 ટકા અને ધરપકડમાં 83 ટકાનો વધારો થયો છે. લેબર સરકારના 18 મહિનાના કાર્યકાળમાં 17,483 દરોડા, 12,322 ધરપકડો અ 1726ને દેશનિકાલ કરાયાં છે.


