2025માં વિવિધ કેટેગરીમાં યુકેના વિઝા મેળવવામાં ભારતીયો અવ્વલ

2025માં ભારતીયોને 95,231 સ્ટડી વિઝા, 90,153 ગ્રેજ્યુએટ રાઉટ એક્સટેન્શન, 90,031 વર્ક વિઝા, 1,04,555 હેલ્થ એન્ડ કેરમાં એક્સટેન્શન અપાયાં

Tuesday 10th March 2026 12:34 EDT
 
 

લંડનઃ વર્ષ 2025માં વિવિધ કેટેગરીમાં યુકેના વિઝા મેળવવામાં ભારતીયો અગ્રણી રહ્યાં હતાં. હોમ ઓફિસના આંકડા અનુસાર સ્ટડી વિઝા, સ્કીલ્ડ વર્કર એક્સટેન્શન અને ગ્રેજ્યુએટ રાઉટ એક્સટેન્શનમાં ભારતીયો અવ્વલ રહ્યાં હતાં જે દર્શાવે છે કે ભારતીય વિદ્યાર્થી અને પ્રોફેશનલ્સ યુકેમાં મજબૂત હાજરી ધરાવે છે.

ભારતીયો સૌથી મોટો વિદ્યાર્થી સમુદાય

2010થી 2021 વચ્ચે યુકેમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓમાં ચીની નાગરિકોનો દબદબો રહ્યો હતો પરંતુ 2022 પછી ભારતીય વિદ્યાર્થીઓએ ચીની વિદ્યાર્થીઓને પાછળ છોડી દીધાં હતાં. 2025માં 95,231 ભારતીયોને સ્ટડી વિઝા જારી કરાયા હતા જે કુલ સ્ટડી વિઝાના 23 ટકા હતા. બીજા સ્થાને ચીની વિદ્યાર્થીઓને 89,019 સ્ટડી વિઝા જારી કરાયા હતા.

ગ્રેજ્યુએટ રાઉટ એક્સટેન્શનમાં ભારતીયો અવ્વલ

યુકે ગ્રેજ્યુએટ રાઉટ વિઝા અંતર્ગત એક્સટેન્શન મેળવનારામાં ભારતીયો પ્રથમ સ્થાને રહ્યાં હતાં. 2025માં ભારતીય નાગરિકોને 90,153 ગ્રેજ્યુએટ રાઉટ એક્સટેન્શન અપાયાં હતાં જે કુલ એક્સટેન્શનના 42 ટકા હતા. ગ્રેજ્યુએટ રાઉટ એક્સટેન્શન અંતર્ગત ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ યુકેમાં અભ્યાસ પૂરો કર્યા પછી દોઢ વર્ષ નોકરી કરી શકે છે.

સ્કીલ્ડ વર્કર અને હેલ્થ વિઝામાં પણ ભારતીયો ટોપ પર

વર્ક વિઝાની વાત કરીએ તો 2025માં સૌથી વધુ વર્ક વિઝા ભારતીયોના ફાળે ગયા હતા. 2025માં 90,031 ભારતીયોને વર્ક વિઝા જારી કરાયા હતા. હેલ્થ એન્ડ કેર વર્કર કેટેગરીમાં ભારતીય નાગરિકોને 1,04,555 એક્સટેન્શન અપાયાં હતાં.

રાજ્યાશ્રય અને માઇગ્રેશન

હોમ ઓફિસના આંકડા અનુસાર જૂન 2025માં પૂરા થયેલા એક વર્ષમાં 74,000 ભારતીયો યુકે છોડીને ચાલ્યા ગયા હતા. યુકેમાં રાજ્યાશ્રયની માગ કરનારા વિદેશી નાગરિકોમાં ભારતીયો સાતમા સ્થાને રહ્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter