લંડનઃ જાન્યુઆરી 2026થી સમગ્ર યુકેમાં એનએચએસ દ્વારા બાળકોને વિનામૂલ્યે ચીકનપોક્સની રસી અપાશે. મીઝલ્સ, મમ્પસ અને રૂબેલા સામે રક્ષણ આપતી એમએમઆર વેક્સિનની સાથે હવે બાળકને 12 અને 18 મહિનાની ઉંમરે ચીકનપોક્સની વેક્સિન અપાશે. અત્યાર સુધી વાલીઓને ચીકનપોક્સની વેક્સિન અપાવવા માટે 200 પાઉન્ડનો ખર્ચ કરવો પડતો હતો.
સરકારને આશા છે કે વિનામૂલ્યે વેક્સિન આપવાથી ન કેવળ બાળકોને ચીકનપોક્સ જેવા રોગ સામે રક્ષણ આપી શકાશે પરંતુ બીમાર બાળકની સંભાળ માટે વાલીઓને રજા પણ પાડવી નહીં પડે. આરોગ્ય વિભાગના એક અંદાજ અનુસાર ચીકનપોક્સના કારણે દેશની ઉત્પાદકતામાં દર વર્ષે 24 મિલિયન પાઉન્ડનું નુકસાન થાય છે.
હેલ્થ મિનિસ્ટર સ્ટિફન કિન્નોકે જણાવ્યું હતું કે, અમે વાલીઓને તેમના બાળકોને સંરક્ષિત રાખવાની શક્તિ પ્રદાન કરી રહ્યાં છીએ. આ વેક્સિનના કારણે બાળકોનું આરોગ્ય જળવાશે અને પરિવારોને પણ સપોર્ટ મળશે.