લંડનઃ બ્રિટનની કેટલીક સડકો પર 2026થી સેલ્ફ ડ્રાઇવિંગ કાર દોડતી થઇ જશે તેવો સંકેત ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર માર્ક હાર્પરે આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, હાલમાં ફુલ સેલ્ફ ડ્રાઇવિંગ ટેકનોલોજી ધરાવતી કારોને બ્રિટિશ સડકો પર દોડાવવાની પરવાનગી નથી પરંતુ સરકાર દ્વારા સંસદમાં ઓટોમેટેડ વ્હિકલ ખરડો રજૂ કરાયો છે. 2024ના અંત સુધીમાં સેલ્ફ ડ્રાઇવિંગ કાર માટેનું કાયદાકીય માળખું તૈયાર થઇ જશે.
હાર્પરે જણાવ્યું હતું કે, 2026ના પ્રારંભથી બ્રિટનની કેટલીક સડકો પર સેલ્ફ ડ્રાઇવિંગ કાર જોવા મળશે. તેના માટે તબક્કાવાર મંજૂરી અપાશે. જેથી સેલ્ફ ડ્રાઇવિંગ કાર બનાવતી કંપનીઓને પણ ચોક્કસ સ્થાન મળી શકે.
જોકે સેલ્ફ ડ્રાઇવિંગ ટેકનોલોજીના ટીકાકારો તેનો વિરોધ કરી રહ્યાં છે. અમેરિકામાં સેલ્ફ ડ્રાઇવિંગ કારોની ટ્રાયલ ચાલી રહી છે. ટીકાકારો કહે છે કે આ પ્રકારની કારો અકસ્માતો સર્જશે. કેલિફોર્નિયામાં રેગ્યુલેટર્સે જનરલ મોટર્સને તેની ડ્રાઇવરલેસ કારો પાછી ખેંચવાનો આદેશ આપ્યો છે. જોકે હાર્પર કહે છે કે સેલ્ફ ડ્રાઇવિંગ ટેકનોલોજીમાં માર્ગ સુરક્ષા વધારવાની ક્ષમતા છે.


