2030 સુધીમાં કાર્બન ઉત્સર્જન 68 ટકા ઘટાડવા બ્રિટન કટિબદ્ધ - સુનાક

બ્રિટન અમેરિકા પાસેથી અબજો ઘનમીટર કુદરતી ગેસની ખરીદી કરશે

Wednesday 09th November 2022 06:16 EST
 
 

લંડન

ઇજિપ્તમાં Cop27 ક્લાઇમેટ કોન્ફરન્સ ખાતે પહેલીવાર આંતરરાષ્ટ્રીય મંચ પર સંબોધન કરતાં બ્રિટનના વડાપ્રધાન રિશી સુનાક જણાવ્યું હતું કે, પર્યાવરણમાં થઇ રહેલા બદલાવને અટકાવવાની નૈતિક અને આર્થિક જવાબદારી બ્રિટનની છે. વૈશ્વિક અર્થતંત્ર ખસ્તાહાલ બની રહ્યું છે છતાં કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં વિકાસશીલ દેશોની મદદ કરવી એ બ્રિટન જેવા દેશોની જવાબદારી છે. એનર્જી સિક્યુરિટીની સાથે સાથે ક્લાઇમેટ સિક્યુરિટી પણ મહત્વની છે. રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રે મૂડીરોકાણ કરવાની તાકિદે જરૂર છે. સુનાકે જણાવ્યું હતું કે, બ્રિટન 2030 સુધીમાં કાર્બન ઉત્સર્જન 68 ટકા ઘટાડવાનો લક્ષ્યાંક ધરાવે છે. બ્રિટન ક્લાઇમેટ ચેન્જ સામેની લડાઇમાં 11.6 બિલિયન પાઉન્ડની સહાયના વચનનું પાલન કરવા પ્રતિબદ્ધ છે.

સુનાકે જણાવ્યું હતું કે, ક્લાઇમેટ ચેન્જના મુદ્દે પીછેહઠ કરવા માટે પુતિન દ્વારા શરૂ કરાયેલા યુક્રેન સામેના યુદ્ધ અને વિશ્વભરમાં વધી રહેલી ઇંધણોની કિંમત યોગ્ય કારણો નથી. આપણે રિન્યુએબલ એનર્જીના સ્ત્રોતોમાં રોકાણ વધારીને આપણી એનર્જીની જરૂરીયાતોને અન્યત્રથી પૂરી પાડવી જોઇએ જે આપણને ઇંઘણો પરના આધારના જોખમો સામે રક્ષણ આપી શકે. બ્રિટન જેવા દેશોએ ક્લાઇમેટ ચેન્જ સામેની લડાઇમાં વિકાસશીલ દેશોની મદદ કરવી જોઇએ.

બીજીતરફ રિશી સુનાક ક્લાઇમેટ ચેન્જ સમિટ બાદ અમેરિકા સાથે મોટા ગેસ સોદાની જાહેરાત કરે તેવી સંભાવના છે. બ્રિટન અને અમેરિકા વચ્ચે એનર્જી સિક્યુરિટી પાર્ટનરશિપ પરન મંત્રણાઓ અંતિમ તબક્કામાં પહોંચી છે. અમેરિકા આગામી વર્ષે બ્રિટનને અબજો ઘનમીટર એલપીજી પૂરો પાડવાની યોજના તૈયાર કરી રહ્યો છે.  વધુ ફોસિલ ફ્યુઅલની આયાતની ઘરઆંગણે લેબર પાર્ટી દ્વારા ટીકા થઇ શકે છે પરંતુ હાલ દેશની એનર્જી સિક્યુરિટી સુનિશ્ચિત કરવા માટે આ પ્રકારની આયાત જરૂરી માનવામાં આવે છે.

સુનાક અચાનક COP27  સમિટ છોડીને નીકળી ગયા

ઇજિપ્તમાં ચાલી રહેલી COP27  સમિટ છોડીને વડાપ્રધાન રિશી સુનાક અચાનક નીકળી ગયા હતા. સમિટ ચાલી રહી હતી ત્યારે તેમના એક સહયોગીએ આવીને તેમના કાનમાં કંઇક કહ્યુંપરંતુ ચર્ચા ચાલી રહી હોવાથી સુનાક થોડા અવઢવમાં હતા. ફરી બીજો એક સહયોગી તેમની પાસે પહોંચ્યો હતો અને સુનાક ત્યાંથી નીકળી ગયા હતા.

પર્યાવરણની જાળવણી માટે અમીર દેશો ગરીબ દેશોની મદદ કરે – ગુટેરસ

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે પર્યાવરણની જાળવણી માટે નવા કરારનું આહવાન કરતાં જણાવ્યું હતું કે, ક્લાઇમેટ ચેન્જના પડકાર સામે લડવા અમીર દેશોએ ગરીબ દેશોની મદદ કરવી જોઇએ. ક્લાઇમેટ સોલિડારિટી પેક્ટને વાસ્તવિકતા બનાવવો એ અમેરિકા અને ચીન સહિતના અમીર દેશોની જવાબદારી છે. દેવા તળે દટાયેલા ગરીબ દેશોને મદદ કરવા આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સ સિસ્ટમમાં પણ સુધારા કરવા જોઇએ..


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter