લંડન
વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, આપણે 19મી સદીની ઔદ્યોગિક ક્રાંતિ જેટલી જ મહત્વની ટેકનોલોજી ક્રાંતિમાંથી પસાર થઇ રહ્યાં છીએ. વીજળીએ જેમ આપણને કાળી મજૂરીમાંથી મુક્તિ અપાવી તેવી રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) જેવી ટેકનોલોજી આપણા જીવનના દરેક હિસ્સાને બદલી નાખશે.
તેમણે જણાવ્યું હતું કે, એઆઇએ નવી એન્ટિબાયોટિકની શોધ કરી નાખી છે, તે આપણા માટે હવામાન અને પૂરના જોખમોની આગાહી કરે છે અને ચેટજીપીટી જેવા મંચ ભાષા, સ્પીચ અને ઇમેજિસમાં નોંધપાત્ર ક્ષમતાઓ પ્રદર્શિત કરી રહ્યાં છે. આમાંથી કશું જ સાયન્સ ફિક્સન નથી. આ આપણી નવી વાસ્તવિકતા છે. સમગ્ર વિશ્વમાં આ નવી ટેકનોલોજીઓના સર્જન, વિકાસ અને ઉપયોગની જાણે કે હોડ લાગી છે. જો આપણે અત્યારે ખોટાં નિર્ણય લઇશુ તો આપણે વિશ્વમાં અન્ય દેશોથી પાછળ રહી જઇશું કારણ કે અન્ય દેશો ઉત્પાદકતા, રોજગાર અને જીવનની ગુણવત્તામાં વધારો કરી રહ્યાં છે. આપણે સાચા નિર્ણય લેવા પડશે જેથી યુનાઇટેડ કિંગડમ 19 અને 20મી સદીની જેમ 21મી સદીમાં પણ વિશ્વનું નેતૃત્વ કરી શકે. હું દેશનું નેતૃત્વ કરવા પ્રતિબદ્ધ છું. હું 2030 સુધીમાં યુકેને સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે સુપર પાવર બનાવવા ઇચ્છું છું.
સુનાકે જણાવ્યું હતું કે, તેનો અર્થ શું છે. તેનો અર્થ એ છે કે આપણે વિશ્વની પ્રયોગશાળા બનવાનું છે. દેશને તેજસ્વી વૈજ્ઞાનિકો અને સૌથી વધુ દાર્શનિક ઉદ્યોગસાહસિકો આપવાના છે. નવા સંશોધનો દ્વારા આપણા જીવનો વધુ સમૃદ્ધ બનશે. નવા જ્ઞાન અને શિક્ષણ દ્વારા આપણા બાળકોનું શિક્ષણ સુધરશે. આપણે ટેકનિકલ કુશળતા ધરાવતી નોકરીઓનું સર્જન કરી શકીશું.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે સરકાર 250 મિલિયન પાઉન્ડ ફાળવશે
બ્રિટનને સાયન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રે સુપરપાવર બનાવવાના ઇરાદાથી સરકાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અન્ય અત્યાધુનિક ટેકનોલોજીના વિકાસ માટે 250 મિલિયન પાઉન્ડની ફાળવણી કરશે. આ ફંડિંગથી ક્વોન્ટમ કોમ્પ્યુટર્સના સંશોધનમાં મદદ મળશે. ક્વોન્ટમ કોમ્પ્યુટર્સ વર્તમાન કોમ્પ્યુટરો કરતાં અનેકગણી ક્ષમતાઓ ધરાવતાં હશે. આ ફંડિંગથી એન્જિનિયરિંગ બાયોલોજીમાં પણ મોટી સહાય થશે. જિનેટિક એડિટિંગ દ્વારા નવી દવાઓ અને ક્લાઇમેટ પ્રુફ કૃષિ ઉત્પાદનો વિકસાવવામાં મદદ મળશે.


