લંડનઃ વર્ષ 2030થી પેટ્રોલ અને ડીઝલ સંચાલિતત નવી કારના વેચાણ પર પ્રતિબંધની સંભાવના ધૂંધળી બની છે. ટોરી સરકાર દ્વારા ગ્રીન પોલિસીઓ પડતી મૂકવાના અહેવાલો મધ્યે વડાપ્રધાન રિશી સુનાક આ પ્રતિબંધ અંગે સ્પષ્ટતા કરવામાં નિષ્ફળ રહ્યાં છે. વડાપ્રધાન સુનાકે જણાવ્યું છે કે હું ક્લામેટ કટોકટીને યોગ્ય રીતે હાથ ધરવા માગું છું જેથી જનતા પર બિનજરૂરી અસરો ન પડે.
શું નવી પેટ્રોલ અને ડીલ કારના વેચાણ પર સરકારના પ્રસ્તાવ પર તમે પ્રતિબદ્ધ છો તેવા સવાલના જવાબમાં રિશી સુનાકે જણાવ્યું હતું કે, નેટ ઝીરો મારા માટે અત્યંત મહત્વનું છે. હા, અમે નેટઝીરો લક્ષ્યાંક હાંસલ કરવા તરફ પ્રગતિ કરતા રહીશું જેથી આપણી એનર્જી સિક્યુરિટીને મજબૂત બનાવી શકાય. મને લાગે છે કે છેલ્લા બે વર્ષની ઘટનાઓ દર્શાવે છે કે આપણે હોમ ગ્રોન એનર્જીમાં રોકાણ કરવું જોઇએ. પછી તે ન્યૂક્લિયર પાવર હોય કે ઓફશોર વિન્ડ પાવર. હું માનુ છું કે જનતા શું જોવા ઇચ્છે છે અને હું તે જ આપવા જઇ રહ્યો છું.
પેટ્રોલ અને ડીઝલ કારો પર પ્રતિબંધના મુદ્દે વડાપ્રધાનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, તે અમારું વચન છે. પરંતુ અમે જનતા પર અન્યાયી અસર ન કરે તે પણ જોવા માગીએ છીએ અને તે રીતે તે દિશામાં આગળ વધીશું.


