લંડનઃ ગ્લાસ્ગો ખાતે આયોજિત કોમનવેલ્થ ગેમ્સના સમાપન સમારોહમાં સત્તાવાર રીતે વર્ષ 2030માં ગુજરાતના અમદાવાદ ખાતે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે કોમનવેલ્થ ફ્લેગ અને મશાલ સોંપવામાં આવ્યાં હતાં. વર્ષ 2030માં અમદાવાદ ખાતે કોમનવેલ્થ ગેમ્સની 100મી વર્ષગાંઠ ઉજવાશે. આ પ્રસંગે નીરજ ચોપરા, પી.ટી. ઉષા અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના પ્રતિનિધિમંડળે સત્તાવાર રીતે ફ્લેગ અને બેટન સ્વીકાર્યા હતા. આ સાથે જ ભારતની સાંસ્કૃતિક વિરાસત અને ગુજરાતી કળા-સંસ્કૃતિનો અદ્ભુત શોકેસ રજૂ કરીને વિશ્વભરના એથ્લેટ્સને અમદાવાદ આવવાનું ભાવભીનું નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.
કોમનવેલ્થ સ્પોર્ટના ચીફ એક્ઝિક્યુટિવ કેટી સેડલેયરે અમદાવાદમાં 15થી 17 રમતો સાથે એક ભવ્ય ઈવેન્ટના આયોજનની ખાતરી આપી છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગ્લાસગો ખાતે જણાવ્યું હતું કે, ભારત વિશ્વસ્તરીય રમતગમતનું કેન્દ્ર બનવા કટિબદ્ધ છે. આપણે 2036માં ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સના યજમાન બનવાનું લક્ષ્ય રાખ્યું છે, અને 2030ની કોમનવેલ્થ ગેમ્સ સમગ્ર વિશ્વ સમક્ષ ભારતની આયોજન ક્ષમતા અને સજ્જતા સાબિત કરવાનું એક મહત્ત્વપૂર્ણ પગલું બનશે.
સમાપન સમારોહમાં ગ્લાસગો 2026ના ચીફ એક્ઝિક્યુટિવ ફિલ બેટીએ જણાવ્યું હતું કે, ગ્લાસગોએ રમતના આ મહાકુંભને બચાવીને નવો અવતાર આપ્યો છે. જ્યારે મૂળ યજમાન પાછળ હટી ગયા ત્યારે ગ્લાસગોએ તેની જવાબદારી ઉપાડી લીધી હતી. આ ટકાઉ અને સુધારાત્મક મોડેલ આધારિત ગેમ્સ ભવિષ્યમાં આ બહુ-રમતગમત સ્પર્ધાના માળખાને એક નવો આકાર આપશે. 12 વર્ષમાં બીજી વખત આ સ્પર્ધાનું સફળતાપૂર્વક આયોજન કરવાનો ગ્લાસગોનો નિર્ણય રમત જગતમાં હંમેશા યાદ રાખવામાં આવશે.


