2033 સુધીમાં આપણા ઘરના 39 ટકા કામકાજ રોબોટ્સને હસ્તક રહેશે

Tuesday 07th March 2023 13:57 EST
 
 

લંડનઃ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નું ક્ષેત્ર એટલું વિકસી રહ્યું છે કે આજથી 10 વર્ષ પછી એટલે કે 2033 સુધીમાં યંત્રમાનવો- રોબોટ આપણા ઘરના 39 ટકા અને પાંચ વર્ષના ગાળામાં 27 ટકા જેટલા કામકાજ કરવા માટે સક્ષમ હશે. સંશોધકો કહે છે કે કરિયાણાની ખરીદી કરવામાં સૌથી વધુ ઓટોમેશન જોવા મળશે જ્યારે નાના બાળકો અથવા તો વયોવૃદ્ધોની સારસંભાળ લેવાની હોય તેમાં સૌથી ઓછી અસર રહેશે.

‘PLOS ONE- પ્લોસ વન’ જર્નલમાં પ્રકાશિત અભ્યાસના ભાગરુપે યુકે અને જાપાનના સંશોધકોએ જાપાનના 36 અને બ્રિટનના 29 મળીને કુલ 65 આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નિષ્ણાતો સાથે વાત કરી તેમને આગામી 10 વર્ષમાં સામાન્ય ઘરેલુ કામકાજમાં ઓટોમેશનનું પ્રમાણ કેટલું હશે તેની આગાહી કરવા જણાવ્યું હતું. નિષ્ણાતોએ આગાહી કરી હતી કે મોટા ભાગના લોકો ગ્રોસરીની ખરીદી જેવા કામકાજ માટે અવેતન રોબોટ્સ પર સૌથી વધુ આધાર રાખશે જ્યારે નાના બાળકો અથવા વયોવૃદ્ધોની સારસંભાળ કે દેખરેખ માટે ઓછો આધાર રાખશે એટલે કે હોમકેરમાં માનવીય તત્વ વધારે રહેશે. અભ્યાસમાં જણાયું હતું કે સૌથી વધુ યાંત્રિક કાર્ય ગ્રોસરી શોપિંગમાં જોવા મળશે એટલે કે આગામી 10 વર્ષમાં 59 ટકા ઘરેલુ કામકાજ અનપેઈડ ડોમેસ્ટિક રોબોટ્સ સંભાળી લેશે જ્યારે બાળકોની સારસંભાળ લેવાની બાબતોમાં માત્ર 21 ટકા ઓટોમેશન જોવાં મળશે કારણકે સારસંભાળમાં ઓટોમેશન સૌથી મુશ્કેલ બની રહે છે.

બ્રિટિશ યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ અને જાપાનની ઓચાનોમિઝુ યુનિવર્સિટીના સંશોધકોએ જણાવ્યા મુજબ કચરો વાળવા, કચરો ભરવા જેવાં ઘરેલુ કામકાજમાં હાલ વેક્યુમ ક્લીનર રોબોટ્સનું ઉત્પાદન અને વેચાણ વિશ્વભરમાં વધ્યું છે. સંશોધકો એ પણ જાણવા ઈચ્છતા હતા કે જો યંત્રમાનવો આપણી નોકરીઓ લઈ લેશે તો શું આપણા માટે કચરો ઉઠાવવા જેવા અનપેઈડ કામકાજ પણ કરશે ખરાં?

બિટનના મહિલા નિષ્ણાતોની સરખામણીએ પુરુષ નિષ્ણાતો ડોમેસ્ટિક ઓટોમેશન અંગે વધુ આશાવાદી હતા જ્યારે જાપાની નિષ્ણાતોના કેસમાં મહિલા નિષ્ણાતો ડોમેસ્ટિક ઓટોમેશન અંગે વધુ આશાવાદી હતી. હાલ વયસ્ક લોકો તેમના કામ અને અભ્યાસના કુલ સમયમાંથી 43 ટકા સમય ઘરેલુ કામકાજ કરવામાં વિતાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter