લંડનઃ ઇમિગ્રેશન સિસ્ટમમાં ધરમૂળથી બદલાવ માટે લેબર સરકાર દ્વારા જારી કરાયેલા નવા ઇમિગ્રેશન નિયમો 22 જુલાઇથી અમલમાં આવી ગયાં છે. આ નવા નિયમોની ભારતીયો પર પણ વ્યાપક અસર થશે. નવા નિયમો અંતર્ગત નેટ માઇગ્રેશન ઘટાડવા, ઘરેલુ કર્મચારીઓને પ્રાથમિકતા આપવા સહિતના સંખ્યાબંધ પગલાં લેવાયાં છે અને આ માટે અગાઉ લેબર સરકાર વ્હાઇટ પેપર જારી કરી ચૂકી છે. આ બદલાવોના કારણે ભારતીયો જે બે કેટેગરી પર સૌથી વધુ આધારિત છે તે સ્કીલ્ડ વર્કર્સ અને સ્ટુડન્ટ વિઝા પર ઘણી અસર કરશે. નવા ઇમિગ્રેશન નિયમોનો ઉદ્દેશ્ય યુકેના આર્થિક વિકાસને સપોર્ટ કરે તેવી ઇમિગ્રેશન સિસ્ટમ વિકસાવવી અને વિદેશી કામદારો પરનો આધાર ઘટાડવાનો છે. તેનો લક્ષ્યાંક આર્થિક વિકાસમાં મદદ કરી શકે તેવા વિદેશી સ્કીલ્ડ વર્કર્સની સંખ્યા વધારવા અને બિનજરૂરી ઇમિગ્રન્ટ્સને અટકાવવાનો પણ છે.
નવા ઇમિગ્રેશન નિયમોમાં મહત્વના સુધારા
1 સ્કીલ્ડ વર્કર વિઝા માટે નોકરીઓની યાદીમાં ઘટાડો
સ્કીલ્ડ વર્કર વિઝા માટે સ્નાતકની ડિગ્રીને સમકક્ષ આરક્યુએફ લેવલ 6 ફરજિયાત. આ નિયમને કારણે હોસ્પિટાલિટી, લોજિસ્ટિક્સ અને કેર સર્વિસમાં 180 વ્યવસાયો પર અસર થશે
2 કેર સેક્ટરમાં વિદેશીઓની ભરતી પર પ્રતિબંધ
કેર સેક્ટરમાં વિદેશીઓની ભરતી પર સંપુર્ણ પ્રતિબંધ લાદી દેવાયો છે. જોકે આ પહેલાં સ્પોન્સર્ડ કરાયેલા વિદેશી કેર વર્કર્સને આ નિયમ લાગુ થશે નહીં
3 અંગ્રેજી ભાષાનું જ્ઞાન ફરજિયાત કરાયું
ચોક્કસ કેટેગરીની નોકરીઓમાં અંગ્રેજી ભાષાનું જ્ઞાન ફરજિયાત કરાયું છે. પહેલીવાર તમામ વિઝા માટે અંગ્રેજીનું જ્ઞાન ફરજિયાત કરાયું છે. તેમાં ડિપેન્ડન્ટ્સનો પણ સમાવેશ થઇ જાય છે
4 યુકેમાં કાયમી વસવાટની પરવાનગીની વર્ષ મર્યાદા
યુકેમાં કાયમી વસવાટ માટેની પરવાનગીની વર્ષ મર્યાદા 10 વર્ષ કરાઇ છે. અગાઉ યુકેમાં 5 વર્ષ વસવાટ કરનાર કાયમી વસવાટ માટે પરવાનગી માગી શક્તો હતો. આ નવા નિયમની અસર તમામ માઇગ્રન્ટ્સ પર પડશે