24 સપ્તાહ પહેલાંની ગર્ભાવસ્થામાં મિસકેરેજની પણ હવે નોંધણી કરાશે

પોતાના બાળકનું અસ્તિત્વ હતું તેવી વિધિવત માન્યતા હવે મળી શકશે

Tuesday 27th February 2024 10:59 EST
 

લંડનઃ ઇંગ્લેન્ડમાં 24 સપ્તાહ પહેલાંની ગર્ભાવસ્થામાં બાળક ગુમાવનાર માતાપિતાને હવે પ્રમાણપત્ર અપાશે. સરકારે જણાવ્યું છે કે અમે ગર્ભપાતનો સામનો કરનારા માતાપિતાઓની રજૂઆતો સાંભળી છે. એક્ટિવિસ્ટોએ જણાવ્યું છે કે હવે લાખો માતાપિતા તેમનું બાળક અસ્તિત્વમાં હતું તે પ્રકારની વિધિવત માન્યતા મેળવી શકશે. સપ્ટેમ્બર 2018 બાદ મિસકેરેજમાં બાળક ગુમાવનાર માતાપિતા આ પ્રમાણપત્ર મેળવવા અરજી કરી શકશે. આ માટે તેમણે the gov.uk website  વેબસાઇટ પર જવું પડશે. અરજકર્તાની ઉંમર ઓછામાં ઓછી 16 વર્ષ જરૂરી છે. મિસકેરેજ સમયે અરજકર્તા ઇંગ્લેન્ડમાં રહેતાં હોવા જોઇએ.

વેલ્સમાં પણ આ પ્રકારની સ્કીમ અમલમાં મૂકવાની યોજના છે. સ્કોટલેન્ડમાં આ પ્રકારની મેમોરિયલ બુક યોજના ઉપલબ્ધ છે જેમાં લોકો મિસકેરેજમાં ગુમાવેલા બાળકની નોંધણી કરાવી શકે છે.

અત્યારે 24 સપ્તાહ કરતાં વધુની ગર્ભાવસ્થા બાદ મૃત જન્મેલા બાળકની નોંધણીની વ્યવસ્થા છે. આ પહેલાં મિસકેરેજમાં મૃત જન્મેલા બાળકોની નોંધણની કોઇ વ્યવસ્થા નહોતી. 24 સપ્તાહની ગર્ભાવસ્થા પહેલાં ગર્ભપાત સૌથી સામાન્ય સમસ્યા છે. યુકેમાં દર પાંચમાંથી એક મહિલા મિસકેરેજનો સામનો કરી ચૂકી છે.

24 સપ્તાહથી વધુના ભ્રુણનો ગર્ભપાત હવે અપરાધ નહીં રહે

બ્રિટનમાં હવે ગર્ભપાત અપરાધ નહીં રહે. આગામી મહિને યોજાનારા ઐતિહાસિક મતદાનમાં સંસદ ગર્ભપાતને અપરાધની શ્રેણીમાંથી બહાર કરશે. મોટી સંખ્યામાં મહિલાઓ ગર્ભપાતના કારણે પોલીસ તપાસનો સામનો કરી રહી છે તેવા સમયે આ મતદાન યોજાવા જઇ રહ્યું છે. સંસદના બહુમતી સભ્યો માને છે કે 24 સપ્તાહ પહેલાની કાયદાકીય સમયમર્યાદા બાદ કોઇ મહિલા ગર્ભપાત કરાવે તો તેની સામે કોઇ કાયદાકીય કાર્યવાહી થવી જોઇએ નહીં. દર 4માંથી એક જ સાંસદ એમ માને છે કે કાયદાકીય પગલાં લેવાવા જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter