લંડનઃ ચાન્સેલર રેચલ રીવ્ઝે 26 નવેમ્બરના રોજ રજૂ થનારા ઓટમ બજેટમાં કરવેરામાં વધારો કરવાનો તખ્તો પહેલેથી તૈયાર કરી તેના સંકેતો પણ આપી દીધાં છે ત્યારે હવે કરવેરામાં વધારાની ગાજ કોના પર પડે છે તે જોવાનું રહ્યું. આમ તો મકાન માલિકોથી માંડીને પેન્શન બચતકર્તાઓ સુધીના કરદાતાઓ રીવ્ઝના નિશાના પર છે. ફુગાવાનો ઉંચો દર અને 30 બિલિયન પાઉન્ડની ખાધ સરકારી તિજોરી પર દબાણ સર્જી રહી છે તેથી રીવ્ઝ પાસે કરવેરામાં વધારો કરવા સિવાય બીજો કોઇ વિકલ્પ પણ નથી. રીવ્ઝ મુખ્યત્વે 6 મોટા બદલાવ કરે તેવી સંભાવના છે.
આવકવેરામાં વધારો કરાશે કે કેમ?
આમ તો લેબર સરકારે ચૂંટણી ઢંઢેરામાં આવકવેરા, નેશનલ ઇન્શ્યુરન્સ અને વેટમાં વધારો નહીં કરવાનું વચન આપ્યું હતું પરંતુ 2024ના જ બજેટમાં રીવ્ઝે નોકરીદાતાઓના નેશનલ ઇન્શ્યુરન્સ યોગદાનમાં વધારો કરીને વચન તોડી નાખ્યું હતું. હવે તે આવકવેરામાં વધારો કરીને ફરી એકવાર વચનભંગ કરે તેવી સંભાવના છે. જોકે પાછળથી પ્રાપ્ત થયેલા અહેવાલો અનુસાર ચાન્સેલર રીવ્ઝ આવકવેરામાં વધારો કરે તેવી સંભાવના નહીંવત છે. તેના સ્થાને તેઓ થ્રેશહોલ્ડ લંબાવી શકે છે. જેના પગલે ઘણા કરદાતાઓ સ્ટીલ્થ ટેક્સનો ભોગ બની શકે છે.
પેન્શન ભથ્થાં પર તરાપ
રીવ્ઝ ગયા વર્ષે જ જાહેરાત કરી ચૂક્યાં છે કે પેન્શનની બચતો ઇનહેરિટન્સ ટેક્સની ગણતરીમાં લેવાશે. આ બજેટમાં ચાન્સેલર કર્મચારીઓને મળતી કર રાહતો પર મોટાપાયે કાપ મૂકી શકે છે.
મેન્શન ટેક્સ
ઘણા લેબર સાંસદો મેન્શન ટેક્સની તરફેણ કરી રહ્યાં છે. અગાઉ રીવ્ઝ મેન્શન ટેક્સના વિરોધી હતા પરંતુ હવે એવી અટકળો ચાલી રહી છે કે 1.5 મિલિયન કે તેથી વધુ મૂલ્યના મકાનના વેચાણ પર મેન્શન ટેક્સ લદાઇ શકે છે.
પ્રોપર્ટી ટેક્સમાં સુધારા
મકાન ખરીદવા ઇચ્છતા ઘણાને સ્ટેમ્પ ડ્યુટીમાં બદલાવની અપેક્ષા છે પરંતુ ચાન્સેલર સ્ટેમ્પ ડ્યુટીના સ્થાને નવો પ્રોપર્ટી ટેક્સ લાગુ કરી શકે છે. 5 લાખ પાઉન્ડથી વધુની પ્રોપર્ટી પર આ ટેક્સ લાગુ થઇ શકે છે અને આ ટેક્સ ખરીદનારે નહીં પરંતુ વેચનારે ચૂકવવો પડી શકે છે.
લેન્ડલોર્ડ ટેક્સ
આમ પણ રેન્ટર્સ રાઇટ્સ એક્ટના કારણે મકાન માલિકો પર વધારાના નિયંત્રણો લદાયાં છે ત્યારે ચાન્સેલર ભાડાની આવક પર નેશનલ ઇન્શ્યુરન્સ લાગુ કરે તેવી અટકળો ચાલી રહી છે.
આઇએસએ સુધારા
ચાન્સેલર દેશમાં મૂડીરોકાણ વધારવા ઇચ્છે છે. શેરબજાર અને અન્ય સેક્ટરોમાં રોકાણ વધારવા ચાન્સેલર કેશ આઇએસએ એલાઉન્સમાં કાપ મૂકી શકે છે. એક અંદાજ પ્રમાણે 12000 પાઉન્ડ કેશ આઇએસએ લિમિટ લાદવામાં આવી શકે છે.


