27 અને 30 જુલાઈએ ફરી રેલવેનાં ચક્કાજામ

RMT યુનિયને 4 ટકાના વેતવધારાની ઓફર ફગાવીઃ

Tuesday 19th July 2022 14:05 EDT
 
 

લંડનઃ રેલ, મેરીટાઈમ એન્ડ ટ્રાન્સપોર્ટ (RMT) યુનિયને બુધવાર, 27 જુલાઈએ ફરી એક વખત રેલવેના ચક્કાજામની જાહેરાત કરી છે. આના ત્રણ દિવસ પછી એટલે કે 30 જુલાઈએ અન્ય આઠ ઓપરેટર કંપનીઓના કર્મચારીઓ પણ હડતાળ પર ઉતરશે. અરાઈવા રેલ લંડન, ચિલ્ટર્ન રેલ્વેઝ, ગ્રેટર એન્જલીઆ, ગ્રેટ વેસ્ટર્ન, હલ ટ્રેઈન્સ, LNER, સાઉથઈસ્ટર્ન અને વેસ્ટ મિડલેન્ડ્સ ટ્રેઈન્સ ઓપરેટર્સના યુનિયન Aslef ના સભ્યો 30 જુલાઈએ કામનો બહિષ્કાર કરશે. ગ્રેટર એન્જલીઆના ડ્રાઈવર્સ 23 જુલાઈએ પણ હડતાળ પાડશે તેમજ હલ ટ્રેઈન્સના ડ્રાઈવર્સ 16 એને 23 જુલાઈએ હડતાળ પાડશે. આ વધુ હડતાળોના પરિણામે બ્રિટિશરો અને પર્યટકો ભારે મુશ્કેલીમાં મૂકાઈ જશે. બે મુખ્ય ટ્રેઈન ઓપરેટર્સે હડતાળની તારીખો માટે ટિકિટસનું વેચાણ બંધ રાખ્યું છે.

RMT યુનિયને 4 ટકાના વેતવધારાની ઓફર ફગાવી દીધાં પછી ટ્રેન ઓપરેટર કંપનીઓ અને નેટવર્ક રેલ ખાતે 40,000થી વધુ વર્કર્સ પગાર અને કામકાજની સ્થિતિના મુદ્દે હડતાળ પર ઉતરશે. રેલવેના અન્ય બે યુનિયનો પણ રાષ્ટ્રીય હડતાળની તારીખો જાહેર કરવા વિચારી રહ્યા છે. આના કારણે ઉનાળાની રજાઓ તેમજ વિમેન્સ યુરો 2020 સેમી ફાઈનલ અને કોમનવેલ્થ ગેમ્સના પ્રથમ દિવસ તેમજ ચેમ્પિયનશિપ ફૂટબોલ વીકએન્ડને વિશેષ અસર થશે. જૂન મહિનામાં ચાર દિવસની રેલવે હડતાળે જનજીવન ખોરવી નાખ્યું હતું.

ગ્રેટ બ્રિટનના રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મોટા ભાગના સ્ટેશનોનું સંચાલન કરી સરકારી કંપની નેટવર્ક રેઈલ દ્વારા સમગ્ર 2022ના વર્ષ માટે 4 ટકા તેમજ વર્કર્સ વર્કિંગ કંડિશન્સમાં ફેરફાર સ્વીકારે તો આગામાી વર્ષે પણ સંભવતઃ 4 ટકાના વેતનવધારાની કરાયેલી ઓફરને RMT યુનિયને તદ્દન નજીવી ગણાવી ફગાવી દીધાં પછી 27 જુલાઈએ હડતાળની જાહેરાત કરી હતી. યુનિયને જણાવ્યું હતું કે તેઓ 7 ટકાની ઓફર તેમજ ટ્રેન ઓપરેટિંગ કંપનીઝ દ્વારા નોકરીઓ ગુમાવવા બાબતે ગેરંટીઝની રાહ જુએ છે. બીજી તરફ, આઠ ટ્રેન કંપનીઓના જૂથ Aslef દ્વારા પણ આ ઉનાળામાં હડતાળોને સમર્થન અપાયું છે. બર્મિંગહામમાં 28 જુલાઈથી કોમનવેલ્થ ગેમ્સનું ઉદ્ઘાટન થવાનું છે તેમાં હાજરી આપવા જનારા લોકોને ભારે મુશ્કેલી નડશે.

RMT દ્વારા જાહેર કરાયેલી હડતાળ કોમનવેલ્થ ગેમ્સના આરંભ તથા વિમેન્સ યુરો 2020 સેમી ફાઈનલને અસર કરશે. બીજી તરફ, કન્ઝર્વેટિવ સરકાર કંપનીઓને હડતાળિયા કર્મચારીઓનું સ્થાન એજન્સી વર્કર્સથી પૂરવાની છૂટ આપવાની યોજના આગળ વધારી રહી છે. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સે જણાવ્યું હતું કે RMTએ વધુ વિનાશક હડતાળોનો વિકલ્પ પસંદ કર્યો છે અને સમગ્ર દેશના લોકો માટે વધુ મુશ્કેલીઓ સર્જવા તૈયાર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter