લંડન: છેલ્લા 28 વર્ષથી સતત પગપાળા ચાલીને દુનિયા માપી રહેલા બ્રિટિશ એડવેન્ચરર કાર્લ બુશ્બી હલ સ્થિત પોતાના ઘરે પહોંચી ગયા છે. 1998માં હલ ખાતેથી માત્ર 29 વર્ષની ઉમરે નીકળેલા કાર્લે અત્યાર સુધીમાં 50,000 કિમીનું અંતર પગપાળા કાપી એક નવો જ ઇતિહાસ રચી દીધો છે.
57 વર્ષીય કાર્લ બુશ્બીએ 28 વર્ષની આ ઐતિહાસિક યાત્રા દરમિયાન 50,000 કિમીનું અંતર પગપાળા કાપ્યું છે. કાર્લ બુશબી યાત્રા પૂર્ણ કરીને સોમવારે માદરે વતન હલ તો આવી પહોંચ્યા હતા, પરંતુ પોતાની મંઝિલ પર પહોંચ્યા પછી હવે તેમને સામાન્ય જીવનમાં પરત ફરવાની ચિંતા સતાવી રહી છે. કાર્લ બુશબીએ પહેલી નવેમ્બર 1998નાં રોજ સાઉથ અમેરિકાનાં સૌથી દક્ષિણ ભાગમાંથી પોતાની પદયાત્રા શરૂ કરી હતી. તે વેળા તેમની ઉંમર 30 વર્ષથી પણ ઓછી હતી. તેમણે પોતાના આ અભિયાનને ગોલિયથ એક્સપેડિશન નામ આપ્યું હતું.
શરૂઆતમાં તેમનો અંદાજ હતો કે તે 12 વર્ષમાં પગપાળા ચાલીને પોતાના ઘરે પહોંચી જશે. જોકે રસ્તામાં આવેલા પડકારો અને અલગ અલગ પરિસ્થિતિઓને કારણે આ યાત્રા 12 વર્ષને બદલે 28 વર્ષ સુધી લંબાઇ ગઇ હતી. કાર્લે પોતાના આ અભિયાન દરમિયાન 50,000 કિમીથી વધુનું અંતર કાપ્યું છે. તેઓ આ યાત્રા દરમિયાન ચાર મહાદ્વીપો અને 30 દેશોમાંથી પસાર થયા હતાં. તેમના માટે આ ફક્ત લાંબા અંતરની યાત્રા ન હતી પણ દરેક પગલે તેમની હિંમત અને સંકલ્પની પરીક્ષા હતી.
ચિલીથી યાત્રા શરૂ કરતી વખતે તેમણે બે સંકલ્પ લીધા હતાં. એક, પોતાના સમગ્ર અભિયાન દરમિયાન તેઓ કોઈ પણ પ્રકારનાં વાહનનો ઉપયોગ કરશે નહીં. અને બીજું, જ્યાં સુધી પગપાળા ન પહોંચી શકાય ત્યાં સુધી ઘરે પરત ફરશે નહીં. આ સંકલ્પ પાળવા તેમણે આકરો સંઘર્ષ કરવો પડ્યો હતો. લગભગ ત્રણ દાયકા સુધી સડક, પર્વત, જંગલ, સમુદ્ર અને અજાણ્યા દેશોની વચ્ચે જીવન પસાર કર્યા પછી હવે કાર્લ બુશબી પોતાના ઘરે પહોંચી ગયા છે. આ લાંબી યાત્રાને કારણે તેમના જીવનનાં મોટા ભાગનાં વર્ષો યાત્રામાં જ પસાર થઈ ગયા છે.
કાર્લ માટે આ યાત્રા ખરેખર કાંટાની સેજ સમાન બની રહી હતી. તેમણે ચિલીના માઈનસ ડિગ્રી તાપમાનથી લઈને કેલિફોર્નિયા-એરિઝોના સરહદની અંગદઝાડતી 50 ડિગ્રી ગરમીનો સામનો કર્યો છે. પદયાત્રાના અંતિમ તબક્કામાં તેઓ બેલ્જિયમથી ઇંગ્લેન્ડ આવી પહોંચ્યા છે. દરરોજ 150 પાઉન્ડ (આશરે 68 કિલો) વજન ધરાવતી ટ્રોલી ધકેલીને 20 માઇલ ચાલતા હતા. ટૂંક સમયમાં જ ડિરેક્ટર વર્નર હર્ઝોગ આ સાહસ પર એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પણ લાવવાના છે.
પત્નીએ છૂટાછેડા લીધા
28 વર્ષ સુધી ઘરેથી દૂર રહેવાના કારણે પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા છે. કાર્લ ઘર છોડીને નીકળ્યા ત્યારે પુત્ર માત્ર 11 મહિનાનો હતો, જે આજે 29 વર્ષનો યુવાન થઈ ગયો છે. કાર્લ આટલા વર્ષોમાં પરિવારને માત્ર ચાર-પાંચ વાર જ મળી શક્યા છે.


