લંડનઃ ગ્રુમિંગ ગેંગો પર નિયંત્રણ મેળવવા હોમ સેક્રેટરી કૂપરે આપેલા આદેશ બાદ સેંકડો કેસોની પોલીસ દ્વારા સમીક્ષા કરાઇ હતી. જેના પગલે હવે બંધ કરી દેવાયેલા 287 ચાઇલ્ડ સેક્સ અબ્યુઝ કેસને ફરી ખોલવાનો નિર્ણય લેવાયો છે. કૂપરે આ માહિતી સાંસદોની કમિટીને આપી હતી.
જાન્યુઆરીમાં હોમ સેક્રેટરીએ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ચીફ કોન્સ્ટેબલોને બંધ કરી દેવાયેલા કેસોની ફરી તપાસ શરૂ કરવા અપીલ કરી હતી. બેરોનેસ કેસી દ્વારા આ પ્રકારના કેસોની ઝડપી સમીક્ષાની પણ જાહેરાત કરાઇ હતી.
કૂપરે ગૃહ બાબતોની સિલેક્ટ કમિટીને જણાવ્યું હતું કે, ભૂતકાળની તપાસોની સમીક્ષા બાદ 50 ટકા પોલીસ દળોએ હોમ ઓફિસને રિપોર્ટ મોકલ્યાં છે. આ પ્રકારના જધન્ય અપરાધ આચરનારાને જેલના સળિયા ગણતા કરવા અત્યંત મહત્વની બાબત છે. મેં તમામ પોલીસ દળોને તમામ ઐતિહાસિક કેસોની સમીક્ષાના આદેશ આપ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે, પોલીસ દળો દ્વારા સમીક્ષા બાદ 287 ઐતિહાસિક કેસોની ફરી તપાસનો નિર્ણય લેવાયો છે. પોલીસ ચાઇલ્ડ સેક્સ્યુઅલ એક્સપ્લોઇટેશન ટાસ્ક ફોર્સ દ્વારા આ કેસોની સમીક્ષા કરાશે.