લંડનઃ સમગ્ર યુકેના રિટેલર્સ માટે 29 ઓક્ટોબરથી વેપિંગ અને નિકોટિન ઉત્પાદનોના વેચાણ પર મોટા પાયે પ્રતિબંધો આવી રહ્યાં છે. સરકાર વેપ્સ અને નિકોટિન પાઉચની સરળ ઉપલબ્ધતાને મર્યાદિત કરવા માટે કેટલાક નવા પગલાં અમલમાં મૂકશે.
ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોશિયલ કેર દ્વારા કરાયેલા આ સુધારામાં સગીરોને થતા વેચાણ પર વિસ્તૃત પ્રતિબંધ, થર્ડ-પાર્ટી ખરીદીને ગુનો ગણવો અને પ્રોમોશનલ ડિસ્કાઉન્ટ પર સખત મનાઈનો સમાવેશ થાય છે.
મહિનાના અંતથી 18 વર્ષથી નાની વયની કોઈ પણ વ્યક્તિને વેપિંગ કે નિકોટિન ઉત્પાદનો (નિકોટિન વગરના વેપ્સ, નિકોટિન પાઉચ, સ્ટ્રિપ્સ અને પર્લ્સ સહિત)નું વેચાણ કાનૂની ગુનો ગણાશે. સગીર વયના બાળક વતી કોઈ પણ પુખ્ત વયની વ્યક્તિ જો આ ઉત્પાદનો ખરીદશે કે ખરીદવાનો પ્રયાસ કરશે તો તેને પણ ગુનો માનવામાં આવશે. વેપારીઓ ગ્રાહકોને મફતમાં વેપિંગ ઉત્પાદનો આપી શકશે નહીં કે તેના પ્રમોશન માટે ડિસ્કાઉન્ટ કે કૂપન વહેંચી શકશે નહીં. જાહેર સ્થળો અને કોમર્શિયલ જગ્યાઓ પર વેપિંગ અને નિકોટિન ઉત્પાદનો વેચતા વેન્ડિંગ મશીનો પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાશે.
આ કાયદો વેપ ઉપકરણો, ટેન્ક, રિપ્લેસમેન્ટ કોઇલ, ઈ-લિક્વિડ્સ (નિકોટિન સાથે કે વગરના) અને ઓરલ નિકોટિન પાઉચ જેવી વિશાળ શ્રેણીને આવરી લે છે. જોકે તબીબી રીતે મંજૂર કરાયેલી નિકોટિન આધારિત દવાઓ અને મેડિકલ ડિવાઇસને આમાંથી મુક્તિ આપવામાં આવી છે.
આ કાયદાનું પાલન કરાવવાની જવાબદારી સ્થાનિક ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ્સ અધિકારીઓની રહેશે. વયમર્યાદા કે પ્રમોશનલ નિયમોનો ભંગ કરતા ઝડપાયેલા વેપારીઓ કે વ્યક્તિઓને સ્થળ પર જ 200 પાઉન્ડનો દંડ કરાશે. જો દંડ ન ભરવામાં આવે કે ગંભીર કેસ હોય અને બાબત કોર્ટ સુધી પહોંચે તો 2500 પાઉન્ડ સુધીનો દંડ થઈ શકે છે અને મોટા ગુનાઓ માટે કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.


