લંડનઃ ચાન્સેલર જેરેમી હન્ટે કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ સામે ઝઝૂમી રહેલા પરિવારોને રાહત આપવાનો પ્રયાસ કરતાં નેશનલ ઇન્શ્યૂરન્સમાં બે ટકાનો ઘટાડો કરવાની બજેટમાં ઘોષણા કરી હતી. હન્ટે જણાવ્યું હતું કે, એપ્રિલ 2024થી બ્રિટનના 27 મિલિયન કામદારો માટે નેશનલ ઇન્શ્યૂરન્સનો સ્ટાર્ટર રેટ 10 ટકાથી ઘટાડીને 8 ટકા કરાયો છે. તે ઉપરાંત બે મિલિયન જેટલા સ્વરોજગાર કરતા કામદારો માટેનો નેશનલ ઇન્શ્યૂરન્સ રેટ 8 ટકાથી ઘટાડીને 6 ટકા કરાયો છે.
હન્ટે જણાવ્યું હતું કે, નેશનલ ઇન્શ્યૂરન્સ રેટમાં ઘટાડાના કારણે સરેરાશ 35,000 પાઉન્ડનો પગાર ધરાવતા કર્મચારીને વાર્ષિક 450 પાઉન્ડની બચત થશે. તેવી જ રીતે સ્વરોજગાર કરતા કામદારો સરેરાશ 28,200 પાઉન્ડની આવક પર વર્ષે 350 પાઉન્ડ બચાવી શકશે.
આ જાહેરાત પહેલાં કામદારો 12,570 પાઉન્ડ કરતાં વધુની આવક પર 10 ટકા અને 50,270 પાઉન્ડ કરતાં વધુની આવક પર બે ટકા નેશનલ ઇન્શ્યૂરન્સ ચૂકવતાં હતાં. 6 જાન્યુઆરી પહેલાં આ દર 12 ટકા હતો પરંતુ ઓટમ બજેટમાં હન્ટે રાહત આપતાં બે ટકાનો ઘટાડો કર્યો હતો. સરકારનો દાવો છે કે નેશનલ ઇન્શ્યૂરન્સમાં બે ટકાના ઘટાડાને પગલે હવે 35,000 પાઉન્ડનો વાર્ષિક પગાર ધરાવતા કામદારને વર્ષે કુલ 900 પાઉન્ડની બચત થશે.
એનઆઇમાં આ ઘટાડાને પગલે 30,000 પાઉન્ડનો પગાર ધરાવતા કર્મચારીને પહેલાં 1,743 પાઉન્ડ નેશનલ ઇન્શ્યૂરન્સ પેટે ચૂકવવા પડતા હતા પરંતુ એપ્રિલ 2024 બાદ 1,394.40 પાઉન્ડ ચૂકવવા પડશે. તેનો અર્થ એ થયો કે તે વાર્ષિક 348.60 પાઉન્ડની બચત કરી શકશે.
નેશનલ ઇન્શ્યૂરન્સમાં કેટલા પગાર પર કેટલી રાહત
પગાર – રાહત
1,50,000 પાઉન્ડ – 754 પાઉન્ડ
1,00,000 પાઉન્ડ – 754 પાઉન્ડ
85,000 પાઉન્ડ - 754 પાઉન્ડ
75,000 પાઉન્ડ - 754 પાઉન્ડ
50,000 પાઉન્ડ – 749 પાઉન્ડ
35,000 પાઉન્ડ – 449 પાઉન્ડ
25,000 પાઉન્ડ – 249 પાઉન્ડ
15,000 પાઉન્ડ – 49 પાઉન્ડ


