લંડન
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરની બીબીસીની ડોક્યુમેન્ટરી ફિલ્મથી અપમાનિત થયાનું અનુભવતો ભારતીય સમુદાય 29 જાન્યુઆરીના રોજ લંડનમાં બીબીસી વિરુદ્ધ દેખાવો કરશે. લંડન સ્થિત કન્સલ્ટન્ટ અદિત કોઠારીએ જણાવ્યું હતું કે, બીબીસી દ્વારા બદઇરાદાથી ચલાવાતા ભારત વિરોધી અને હિન્દુ વિરોધી અભિયાનોથી બ્રિટનમાં વસતા ભારતીયોમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે. અમારા વિરોધની બીબીસી પર કોઇ અસર થતી નથી. અમે ઘણીવાર બીબીસીના વલણ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી ચૂક્યાં છીએ. બીબીસી ડોક્યુમેન્ટરી ફરી એકવાર એવી સ્થિતિનું નિર્માણ કરશે જેના કારણે હિન્દુઓને લક્ષ્યાંક બનાવવામાં આવશે. બીબીસીના ઝેરી એજન્ડાનો ભોગ ન બને તે માટે બ્રિટનમાં વસતા તમામ સમુદાયોને જાગૃત કરવાની જરૂર છે. બીબીસી પત્રકારત્વના ઉચ્ચ ધોરણોની જાળવણીમાં નિષ્ફળ રહી છે.


