લંડન
રોયલ મેઇલે ઘોષણા કરી છે કે એપ્રિલથી ફર્સ્ટ ક્લાસ સ્ટેમ્પની કિંમત 1 પાઉન્ડની ઉપર પહોંચી જશે. 3 એપ્રિલથી ફર્સ્ટ ક્લાસ સ્ટેમ્પની કિંમતમાં 15 પેન્સનો વધારો કરાતાં તેની કિંમત 1.10 પાઉન્ડ રહેશે. સેકન્ડ ક્લાસ સ્ટેમ્પની કિંમતમાં 7 પેન્સનો વધારો થતાં તેની કિંમત 75 પેન્સ ચૂકવવી પડશે. રોયલ મેઇલે જણાવ્યું હતું કે યુનિવર્સલ સર્વિસમાં દરેક સ્થળે એકસમાન કિંમત રહે તે માટે આ વધારો કરવાની ફરજ પડી છે. કોરોના મહામારી શરૂ થયા બાદ ટપાલની સંખ્યામાં 25 ટકાનો ઘટાડો થતાં આ વધારો કરાયો છે.
કિંગ ચાર્લ્સ તૃતિયની ઇમેજ સાથેની પહેલી ટપાલ ટિકિટો જારી કરાય તેના એક દિવસ પહેલા આ વધારો અમલી બનશે.
રોયલ મેઇલના ચીફ કોમર્શિયલ ઓફિસર નિક લેન્ડને જણાવ્યું હતું કે, ઘણા પરિવાર અને બિઝનેસ આર્થિક પડકારોનો સામનો કરી રહ્યાં છે તે અમે જાણીએ છીએ તેથી અમે ટપાલ ટિકિટોની કિંમતો વ્યાજબી રાખવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે ટપાલની ઘટતી સંખ્યા અને કિંમતો વચ્ચે સંતુલન જાળવવાની કાળજી લઇ રહ્યાં છીએ. દેશભરમાં સરનામાની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે અને અમે સપ્તાહના 6 દિવસ પત્રોની ડિલિવરી કરી રહ્યાં છીએ તેથી અમારા ખર્ચમાં પણ વધારો થયો છે.
રોયલ મેઇલે જણાવ્યું હતું કે, અમે એકસમાન કિંમતે સમગ્ર દેશમાં સપ્તાહના 6 દિવસ પત્રો પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છીએ. રોયલ મેઇલને છેલ્લા એક વર્ષમાં 350થી 450 મિલિયન પાઉન્ડની ખોટ જવાનો અંદાજ છે.


