3 મહિનાના વિલંબ બાદ વેપાર કરાર પર ભારત અને યુકે વચ્ચે મંત્રણા શરૂ થશે

ફોરેન સેક્રેટરી ડેવિડ લેમી ભારતની મુલાકાતે પહોંચ્યા

Tuesday 23rd July 2024 12:18 EDT
 
 

લંડનઃ ભારત અને યુકે વચ્ચેના મુક્ત વેપાર કરાર પર 3 મહિનાના વિલંબ બાદ ફરી એકવાર મંત્રણા શરૂ થવાની સંભાવના છે. બ્રિટનના વિદેશ પ્રધાન ડેવિડ લેમી ભારતની પ્રથમ મુલાકાતે પહોંચી ગયાં છે.

ભારતની મુલાકાત દરમિયાન બ્રિટિશ વડાપ્રધાન લેમી ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર અને વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ સહિતના મહત્વના નેતાઓ સાથે મુલાકાત કરી શકે છે. આ મુલાકાતો દરમિયાન બંને દેશ વચ્ચેના પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર અંગેના બાકીના મુદ્દાઓ પર ચર્ચા કરાશે.

બંને દેશ વચ્ચે હાલ સ્કોચ વ્હિસ્કી પરના ટેક્સ, ભારતીય વ્યાવસાયિકોને સરળતાથી વિઝા, બ્રિટનની ઇલેક્ટ્રિક વાહનો પર ટેક્સમાં રાહત, ચોકલેટ, કન્ફેક્શનરી અને ઘેટાનાં માંસ પર જકાતમાં રાહતની માગ જેવા મુદ્દા પર હાલ ખેંચતાણ ચાલી રહી છે. ભારત તેના આઇટી અને હેલ્થકેર વ્યાવસાયિકો માટે યુકેના માર્કેટમાં વિશેષ સુવિધાઓની માગ કરી રહ્યો છે.

યુકેમાં સંસદની ચૂંટણી જાહેર થયા બાદ બંને દેશ વચ્ચેની મંત્રણાઓ સ્થગિત થઇ ગઇ હતી. નવી લેબર સરકાર ચૂંટાઇ આવ્યા બાદ બ્રિટિશ વડાપ્રધાન કેર સ્ટાર્મર અને ભારતમાં સત ત્રીજીવાર સરકારની રચના કરનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુક્ત વેપાર કરારને ઝડપથી પૂરો કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

ભારત અને યુકેના વાણિજ્ય પ્રધાનો વચ્ચે ઇટાલીમાં મુલાકાત

ઇટાલીમાં જી-7 દેશોના વાણિજ્ય પ્રધાનોની બેઠક સમયે ભારતના વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ અને યુકેના નવા બિઝનેસ એન્ડ ટ્રેડ સેક્રેટરી જોનાથાન રેનોલ્ડ્સ વચ્ચે મુલાકાત યોજાઇ હતી. બંને નેતાઓએ મુક્ત વેપાર કરાર પરની મંત્રણાઓ આગળ ધપાવવા પર ચર્ચા કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter