લંડનઃ લંડનની કાઉન્સિલોને લક્ષ્યાંક બનાવી હાઉસિંગ બેનિફિટ કૌભાંડ આચરનાર અગાઉ સ્ટોકિંગ માટે દોષી ઠરેલા જાવેદ શેખને વધુ 3 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. જાવેદ શેખે બનાવટી દસ્તાવેજો અને ખોટી ઓળખનો ઉપયોગ કરીને લંડનની કેટલીક કાઉન્સિલો સહિત ઇંગ્લેન્ડની 32 કાઉન્સિલો સાથે 3 લાખ પાઉન્ડની છેતરપિંડી કરી હતી. તે એક ન્યાયાધીશનો પીછો કરવાના ગુનામાં અગાઉથી જ આઠ વર્ષની જેલની સજા ભોગવી રહ્યો હતો. કિંગ્સ્ટન-અપોન-થેમ્સ ક્રાઉન કોર્ટમાં તેણે છેતરપિંડીના સાત ગુનાઓ કબૂલ કર્યા હતા.
ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસના ડેપ્યુટી ચીફ ક્રાઉન પ્રોસિક્યુટર રોઝમેરી ફ્રેન્ટને જણાવ્યું હતું કે, જાવેદ શેખે અન્ય લોકોની ઓળખ ચોરીને કરદાતાઓના નાણાંની છેતરપિંડી કરી હતી. વર્ષ 2015 થી 2022 વચ્ચે શેખે નવ અજાણ્યા નાગરિકોના ડેટાનો ઉપયોગ કરીને 51 બોગસ અરજીઓ દાખલ કરી હતી. તેણે જન્મ પ્રમાણપત્રો, ભાડા કરાર, બેનિફિટ પત્રો અને બેંક સ્ટેટમેન્ટ સહિતના નકલી દસ્તાવેજો રજૂ કર્યા હતા.


