લંડન
એફિસિયન્સી મિનિસ્ટર જેકબ રીસ મોગે જણાવ્યું છે કે સરકાર આગામી 3 વર્ષમાં 91000 નોકરીઓ પર કાપ મૂકવા જઇ રહી છે. તેના કારણે કેબિનેટ ઓફિસમાં 25 ટકા સ્ટાફનો ઘટાડો થશે. કર્મચારીઓનું ભારણ ઘટાડવાના આ અભિયાનમાં મારું મંત્રાલય ઉદાહરણરૂપ કામગીરી કરી બતાવશે. સરકારી કર્મચારીઓની સંખ્યા 2016ના સ્તર પર લઇ જવાની સરકારની યોજના છે અને તેના કારણે 3 બિલિયન પાઉન્ડ જેટલી માતબર રકમની બચત કરી શકાશે. 3 વર્ષમાં કેબિનેટ ઓફિસમાં 25 ટકા કર્મચારીઓની છટણી કરાશે. 91000 કર્મચારીઓની છટણી માટે સરકારની તમામ સેવાઓમાં 20 ટકા નોકરીઓનો કાપ મૂકવો પડશે. અધિકારીઓને દરેક ડિપાર્ટમેન્ટમાં 20,30 અને 40 ટકા વચ્ચે છટણીની યોજનાના મોડેલ તૈયાર કરવા આદેશ અપાયા હતા. જૂન મહિનમાં તેમણે આ આંકડા ટ્રેઝરી અને કેબિનેટ ઓફિસને સોંપ્યા હતા. છટણી અંગેના લક્ષ્યાંકો જાહેર કરતા પહેલાં હાલ તેની સમીક્ષા ચાલી રહી છે. આ આંકડા જાહેર કરતા પહેલાં કેબિનેટ કમિટીની મંજૂરી જરૂરી છે.
સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, દેશની જનતા હાલ મોંઘવારીનો માર વેઠી રહી છે ત્યારે સરકારે ઉદાહરણ સ્થાપિત કરીને અસરકારક કામગીરી બજાવવાની છે. સરકારી નોકરીઓ આગામી 3 વર્ષમાં ઘટાડીને 2016ના સ્તરે લઇ જવાની યોજનાઓ તૈયાર કરવા મંત્રીઓને પણ આદેશ અપાયા છે અને તેના પર કામ ચાલી રહ્યું છે. મે 2022ના આંકડા પ્રમાણે કેબિનેટ ઓફિસમાં કુલ 10,008 કર્મચારી ફરજ બજાવી રહ્યાં છે જેમાંથી 9801 કર્મચારી ફૂલ ટાઇમ કર્મચારી છે.

