લંડનઃ છેલ્લા 3 વર્ષમાં પહેલીવાર યુકેમાં ફુગાવાનો દર બેન્ક ઓફ ઇંગ્લેન્ડના લક્ષ્યાંક પર પહોંચી ગયો છે. મે 2024માં ફુગાવાનો દર એપ્રિલના 2.3 ટકાથી ઘટીને 2.0 ટકા પર આવી ગયો હતો. 4 જુલાઇએ યોજાનારી સંસદની ચૂંટણીમાં અર્થતંત્ર મુખ્ય ચર્ચાનો વિષય બની રહ્યું છે. દરેક પાર્ટી કોસ્ટ ઓફ લિવિંગને કેવી રીતે નિયંત્રણમાં રાખી શકાશે તે અંગે સંઘર્ષ કરી રહી છે.
કન્ઝર્વેટિવ પાર્ટીનો દાવો છે કે સુનાક સરકાર દ્વારા લેવાયેલા મુશ્કેલ નિર્ણયોના પરિણામ પ્રાપ્ત થવા લાગ્યા છે. લેબર પાર્ટી આરોપ મૂકી રહી છે કે પરિવારો હજુ મોંઘવારી સામે સંઘર્ષ કરી રહ્યાં છે.
ખાદ્યપદાર્થો, રિક્રિએશન, કલ્ચર, ફર્નિચર, જીવનજરૂરી સામાન અને સોફ્ટ ડ્રિંક્સની કિંમતોમાં ધીમા વધારાના કારણે મે મહિનામાં ફુગાવાનો દર નીચો આવ્યો છે. જોકે હવે પેટ્રોલની કિંમતમાં વધારો થવા લાગ્યો છે અને 2022ના પ્રારંભની સરખામણીમાં ખાદ્યપદાર્થોની કિંમતો હજુ 25 ટકા વધુ છે.
યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ ઓક્ટોબર 2022માં યુકેમાં ફુગાવાનો દર 11.1 ટકા પર પહોંચી ગયો હતો. રિશી સુનાક વડાપ્રધાન થયા પછી ફુગાવાના દરમાં સતત ઘટાડો નોંધાતો રહ્યો છે.
ફુગાવો ઘટ્યો છતાં સતત સાતમા મહિને વ્યાજદરો યથાવત
ફુગાવાનો દર 2.0 ટકાના લક્ષ્યાંક પર પહોંચ્યો છતાં બેન્ક ઓફ ઇંગ્લેન્ડે સતત સાતમા મહિના માટે વ્યાજદરો 5.25 ટકા પર યથાવત રાખ્યા છે. જેના કારણે નોકરીયાતો, મકાન માલિકો અને લોનધારકોને મોટો ફટકો પડ્યો છે. કોફેડરેશન ઓફ બ્રિટિશ ઇન્ડસ્ટ્રીના પ્રિન્સિપલ ઇકોનોમિસ્ટ માર્ટિન સાર્ટોરિયસે જણાવ્યું હતું કે, બેન્ક ઓફ ઇંગ્લેન્ડ ઓગસ્ટ માસમાં વ્યાજદરમાં ઘટાડો કરી શકે તે માટેનો મંચ તૈયાર થઇ ચૂક્યો છે.
નવી સરકાર માટે આફતઃ યુકેનું દેવુ જીડીપીના 100 ટકા પર પહોંચ્યું
યુકેના દેવાનો બોજો તેના જીડીપીના 100 ટકા જેટલો થઇ ગયો છે. જેના કારણે આગામી નવી સરકાર માટે અર્થતંત્રનો વિકાસ મોટો પડકાર બની જશે. જોકે કન્ઝર્વેટિવ અને લેબર એમ બંને મુખ્ય રાજકીય પાર્ટી દેવામાં ઘટાડાના વચનો આપી રહી છે. સત્તાવાર આંકડા પ્રમાણે મે મહિનામાં યુકેનું દેવુ 99.8 ટકા પર પહોંચી ગયું છે જે 1993ના યુકેના દેવાના સ્તરને સમકક્ષ છે. આમ 30 વર્ષ બાદ યુકેના માથા પર દેવાનો બોજો રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે.


