3.2 મિલિયનનો ભારતીય સમુદાય 24 કલાક ભારતના રાજદ્વારી તરીકે કામ કરેઃ ઉપરાષ્ટ્રપતિ

ભારતીય સમુદાય ભારત અંગે ફેલાવાતી ખોટી અફવાઓ રોકવાનું કામ કરેઃ ધનખડ

Tuesday 09th May 2023 13:00 EDT
 
 

લંડન

કિંગ ચાર્લ્સ તૃતિયની તાજપોશીમાં ભાગ લેવા યુકેની બે દિવસની મુલાકાતે આવેલા ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે શુક્રવારે રાત્રે એક સમારોહમાં ભારતીય સમુદાય સાથે મુલાકાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારતને વિદેશોમાં વસતા 3 કરોડ 20 લાખ ભારતીયો પર ગર્વ છે. તેમણે દેશ માટે ફેલાવાતી ખોટી અફવાઓને રોકવી જોઇએ. તેમણે 24 કલાક ભારતના રાજદ્વારીઓ તરીકે કામ કરવું જોઇએ.

ભારતની વિકાસગાથાને વર્ણવતા તેમણે જણાવ્યું હતું કે ભારતીય લોકશાહી ચરમ પર કામ કરી રહી છે. તેમણે ભારતની અમૃત કાળની સિદ્ધીઓ પણ વર્ણવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ દાયકાના અંત સુધીમાં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનાવવાનો સરકારનો લક્ષ્યાંક છે.

ધનખડે જણાવ્યું હતું કે, ભારત માટે ગૌરવની ક્ષણ આવી પહોંચી છે. જે વાસ્તવિક પરિસ્થિતિમાં પ્રતિબિંબિત થાય છે. આજે વિશ્વ ભારતની આણ સ્વીકારી રહ્યું છે. ભારતને તેના વિદેશમાં વસતા ભારતીયો પર ગૌરવ છે. તેઓ તેમની કર્મભૂમિની સાથેસાથે જન્મભૂમિ પ્રત્યે પ્રતિબદ્ધ છે.

તેમણે જણાવ્યું હતું કે, ભારત હવે વિશ્વ માટે મેન્યુફેક્ચિરિંગ હબ બની રહ્યો છે. તેથી હું તમને દેશના વિકાસમાં યોગદાનની અપીલ કરી રહ્યો છું.

જગદીપ ધનખડ કિંગ ચાર્લ્સના રિસેપ્શનમાં સામેલ થયા

લંડન પહોંચેલા ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે શુક્રવારે કિંગ ચાર્લ્સ તૃતિય દ્વારા કોમનવેલ્થ આગેવાનો માટે લંડનના માર્લબોરો હાઉસ ખાતે આયોજિત રિસેપ્શનમાં તેમના પત્ની ડો. સુદેશ ધનખડ સાથે સામેલ થયાં હતાં. અહીં તેમણે કિંગ ચાર્લ્સ સાથે ઔપચારિક વાતચીત કરી હતી. જગદીપ ધનખડ કિંગ ચાર્લ્સ તૃતિયની તાજપોશીમાં અંદાજિત 100 દેશોના વડાઓ સાથે સામેલ થયાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter