31 જાન્યુઆરીથી બારકોડ વિનાની ટપાલ ટિકિટો અમાન્ય ગણાશે

રોયલ મેઇલ જૂની ટિકિટોના બદલામાં નવી ટિકિટો એક્સચેન્જ કરી આપશે

Wednesday 11th January 2023 06:13 EST
 
 

લંડન

યુકેમાં 31 જાન્યુઆરી 2023થી ટપાલ ટિકિટમાં મોટા બદલાવ આવી રહ્યાં છે. ના, ટપાલ ટિકિટ પરથી ક્વીનના પોટ્રેટ હટાવીને કિંગ ચાર્લ્સના પોટ્રેટ આવી રહ્યાં છે તેટલો જ બદલાવ નથી પરંતુ રોયલ મેઇલ દ્વારા ડિજિટલ સ્ટેમ્પ ફરજિયાત બનાવવામાં આવી રહી છે તેથી જૂની ટપાલ ટિકિટો માન્ય ગણાશે નહીં. પરંતુ તેને તમે એક્સચેન્જ કરાવી શકશો.

પરંપરાગત ટપાલ ટિકિટો 31 જાન્યુઆરી 2023થી માન્ય ગણાશે નહીં. આ તારીખ પછી નવા ડિજિટલ બારકોડ સાથેની ટપાલ ટિકિટોનો જ ઉપયોગ કરી શકાશે. નવી ડિજિટલ સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે નવી ટપાલ ટિકિટોમાં બારકોડ સામેલ કરાયો છે. ફક્ત સ્પેશિયલ ઇશ્યુ સ્ટેમ્પ જ બદલાવવાની જરૂર નહીં રહે.

જનતા સ્ટેમ્પ સ્વેપ આઉટ સ્કીમ દ્વારા જૂની ટપાલ ટિકિટો બદલાવી શકશે. આ માટે સ્ટેમ્પ સ્વેપ આઉટ ફોર્મ સાથે રોયલ મેઇલને બારકોડ વિનાની ટપાલ ટિકિટો મોકલી આપવાની રહેશે. જો તમારી પાસે પ્રિન્ટર હોય તો તમે 200 પાઉન્ડ સુધીની નોન બારકોડેડ સ્ટેમ્પ માટે ફોર્મ પ્રિન્ટ કરીને મોકલી શકો છો. તેના માટે રોયલ મેઇલ દ્વારા કોઇ ચાર્જ વસૂલવામાં આવશે નહીં. તે ઉપરાંત આ ફોર્મ ક્સટમર સર્વિસ પોઇન્ટ ખાતે પણ ઉપલબ્ધ રહેશે.

રોયલ મેઇલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કિંગના પોટ્રેટ સાથેની નવી ટિકિટો અમલમાં આવશે તો પણ બારકોડ સાથેની ક્વીનના પોટ્રેટ સાથેની ટપાલ ટિકિટો માન્ય ગણાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter