લંડનઃ વર્ષ 2025માં અત્યાર સુધીમાં 5000 કરતાં વધુ ગેરકાયદેસર માઇગ્રન્ટ ઇંગ્લિશ ચેનલ પાર કરીને યુકે પહોંચ્યા હતા. ગુરુવારે 6 બોટમાં સવાર થઇને 341 માઇગ્રન્ટ આવી પહોંચતા આ વર્ષનો આંકડો 5025 પર પહોંચી ગયો હતો. 2018 પછી પહેલીવાર કોઇપણ વર્ષમાં માર્ચના અંત સુધીમાં 5000 કે તેથી વધુ માઇગ્રન્ટે ઇંગ્લિશ ચેનલ પાર કરી હોય તેવું આ વર્ષે બન્યું છે. 2018માં 31 માર્ચ સુધીમાં 5000 માઇગ્રન્ટ યુકે પહોંચ્યા હતા.
વર્ષ 2024ની સરખામણીમાં જોઇએ તો આ સમયગાળામાં યુકે આવનારા ગેરકાયદેસર માઇગ્રન્ટની સંખ્યામાં 24 ટકાનો વધારો જોવા મળ્યો છે. 2024માં 31 માર્ચ સુધીમાં 4043 અને 2023માં 3683 માઇગ્રન્ટ ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવ્યાં હતાં.
આ વર્ષે 2 માર્ચના રોજ 11 બોટમાં સવાર થઇને 592 માઇગ્રન્ટ આવ્યા હતા જે 2025નો એક દિવસનો સૌથી ઊંચો આંકડો છે. છેલ્લા બે દિવસમાં ઇંગ્લિશ ચેનલ પાર કરતી વખતે બે માઇગ્રન્ટના મોત થયાં હતાં.
યુકેની લેબર સરકારે સુનાક સરકાર દ્વારા ઘડાયેલી રવાન્ડા યોજના પડતી મૂકીને ફ્રાન્સ સાથે માઇગ્રન્ટ્સની તસ્કરીને અટકાવવા કરાર કર્યો છે તેમ છતાં માઇગ્રન્ટ્સની સંખ્યા ઘટાડવામાં સફળતા પ્રાપ્ત થઇ રહી નથી.