લંડનઃ હોમ ઓફિસના આંકડા અનુસાર રવાન્ડા યોજનાને મંજૂરી મળશે તો 33,000 કરતાં વધુ માઇગ્રન્ટ્સને રવાન્ડા મોકલી અપાશે. જુલાઇ 2023માં સુનાક સરકારનો સ્ટોપ બોટ્સ કાયદો પસાર થયા પછી 33,085 વિદેશીઓએ રાજ્યાશ્રય માટે અરજી કરી છે. આ કાયદો સરકારને ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને રવાન્ડા જેવા સુરક્ષિત દેશોમાં દેશનિકાલ કરવાની સત્તા આપે છે. તેનો અર્થ એ થયો કે આ અરજકર્તાઓઓની યુકેમાં રાજ્યાશ્રય માટેની અરજીઓ અયોગ્ય જાહેર થઇ શકે છે અને તેઓ રવાન્ડા પહોંચીને ત્યાંની સરકાર સમક્ષ રાજ્યાશ્રયની માગ કરી શકે છે.
સુપ્રીમ કોર્ટે સુનાક સરકારની રવાન્ડા યોજનાને ગેરકાયદેસર ગણાવ્યા પછી રવાન્ડા ખરડો હાઉસ ઓફ કોમન્સમાં રજૂ કરાયો હતો. જો આ ખરડાને હાઉસ ઓફ કોમન્સની મંજૂરી મળી જશે તો આગામી ઉનાળામાં પહેલી ડિપોર્ટેશન ફ્લાઇટ રવાન્ડા રવાના કરાશે.
સુનાક સરકારન રવાન્ડા યોજના નાની હોડીઓ દ્વારા આવી રહેલા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને યુકે આવતા અટકાવવા અત્યંત મહત્વની છે. સરકાર રવાન્ડા સાથે કરાયેલા કરાર મુજબ પાંચ વર્ષમાં 290 મિલિયન પાઉન્ડ રવાન્ડાને ચૂકવશે.
બીજીતરફ રેફ્યુજી કાઉન્સિલનું કહેવું છે કે રવાન્ડા પ્રતિ વર્ષ 10,000થી વધુ માઇગ્રન્ટ્સને સ્વીકારવાની ક્ષમતા ધરાવતો નથી. એકવાર આ યોજના સંપુર્ણપણે કાર્યાન્વિત થયા બાદ સરકાર પ્રતિ વર્ષ 25000 માઇગ્રન્ટ્સને રવાન્ડા મોકલે તેવી સંભાવના છે.

