લંડનઃ યુકેમાં 4 મિલિયન પાઉન્ડ કરતાં વધુના મૂલ્યના કોકેન અને હેરોઇન જેવા માદકદ્રવ્યો ઘૂસાડી વેચાણ કરનાર સાઉથ લંડનના 49 વર્ષીય હીમલ વૈદને 18 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. હીમલ વૈદ ડ્રગના સોદાઓ કરવા માટે એન્ક્રોચેટ નામની ફોન સેવાનો ઉપયોગ કરતો હતો. 2020માં ઇન્ટરનેશનલ લો એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા ફોન સેવાનું ઇન્ક્રિપ્શન ભેદી લેવાતા નેશનલ ક્રાઇમ એજન્સી વૈદની ઓળખ કરી શકી હતી. તપાસકર્તાઓએ શોધી કાઢયું હતું કે વૈદે વર્ષ 2020માં એક જ મહિનાના સમયગાળામાં બ્રાઝિલથી 3.6 મિલિયન પાઉન્ડનું 96 કિલો કોકેન આયાત કર્યું હતું. તે ઉપરાંત વૈદ દર સપ્તાહે નેધરલેન્ડમાંથી 15 કિલો કોકેન આયાત કરતો હતો. તે યુકેમાં સપ્લાય કરવા માટે 20 કિલો હેરોઇન અને 1 કિલો કોકેનની વ્યવસ્થા પણ કરતો હતો.
તપાસ અધિકારી લૂક સેલ્ડને જણાવ્યું હતું કે, વૈદ ક્રિમિનલ વર્લ્ડમા લિન્ચપિન તરીકે કામ કરતો હોવાનું સામે આવ્યું હતું. વૈદ એક પ્રોફેશનલ મની લેન્ડર પણ હતો. અપરાધ જગતમાંથી કમાયેલા મિલિયનો પાઉન્ડની હેરાફેરીમાં તે સંડોવાયેલો હતો.