લંડનઃ 30 ઓક્ટોબરે લેબર સરકારનું સૌપ્રથમ ઓટમ બજેટ રજૂ કરતાં પહેલાં ચાન્સેલર રાચેલ રીવ્ઝે સહયોગીઓને જણાવ્યું છે કે સરકારી તિજોરીમાં પડેલા ખાડાને પૂરવા મારે કરવેરા વધારી અને ખર્ચમાં કાપ મૂકીને 40 બિલિયન પાઉન્ડ ઊભા કરવા પડશે. જોકે કયા પ્રકારના કરવેરામાં વધારો કરવો તે ચાન્સેલર માટે અગ્નિપરીક્ષા સમાન છે કારણ કે લેબર પાર્ટી તેના ચૂંટણી ઢંઢેરામાં ઇન્કમ ટેક્સ, નેશનલ ઇન્શ્યુરન્સ અને વેટમાં વધારો નહીં કરવાના વચનો આપી ચૂકી છે.
બજેટમાં સંભવિત પગલાં અને જોગવાઇ
- નોકરીદાતા દ્વારા પેન્શન ફંડમાં અપાતા યોગદાન પરના ટેક્સમાં વધારો કરી શકે છે
- શેર અને અન્ય સંપત્તિઓના વેચાણ પર લાગુ થતા કેપિટલ ગેઇન ટેક્સમાં વધારો કરાય તેવી સંભાવના, કેપિટલ ગેઇન ટેક્સ 39.35 ટકા કરાય અને સંપત્તિના વેચાણમાંથી થતા લાભને ઇન્કમ ટેક્સની સાથે સાંકળી લેવામાં આવે તેવી પણ સંભાવના
- 75 વર્ષની આયુ પહેલાં નિધન થાય તો તેના પેન્શન ફંડ પર અપાતી ટેક્સ છૂટ પાછી ખેંચી શકે છે. ખેતીની જમીન અથવા તો મેજોરિટી કન્ટ્રોલ્ડ બિઝનેસ વારસામાં આપવા પર મળતી કર રાહત પણ પાછી ખેંચાઇ શકે છે
- પરંપરાનો ભંગ કરીને ઇંધણો પરની ડ્યુટીમાં વધારો કરી શકે છે.
- હાઉસિંગ માર્કેટને વેગ આપવા માટે સ્ટેમ્પ ડ્યુટીની નીચી મર્યાદા લંબાવે તેવી સંભાવના
- આગામી બજેટમાં પ્રાઇવેટ સ્કૂલોની ફી પર વેટ લાદવાના સ્પષ્ટ સંકેત
- નોન ડોમ સ્ટેટસ અંતર્ગત વિદેશમાં થતી આવક પર અપાતી 50 ટકાની છૂટને બંધ કરાશે.
- આવકવેરા દરો યથાવત રાખવાની અગાઉની ટોરી સરકાર દ્વારા નક્કી કરાયેલી સમયમર્યાદાને વધુ લંબાવવાની તૈયારી


