લંડનઃ સરકારે સંગ્રહ કરી રાખેલો 40,742,096 કોવિડ રેપિડ ટેસ્ટનો જથ્થો તારીખ વીતી જવાના કારણે ફેંકી દેવાની ફરજ પડી રહી છે. કોવિડ સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આરોગ્ય સત્તાવાળાઓએ નબળી નિદાન વ્યવસ્થા ધરાવતા દેશોને આ વધારાનો જથ્થો આપવાના બદલે સંગ્રહી રાખ્યો તેની ભારે ટીકા થઈ છે.
તારીખ વીતેલા લેટરલ ફ્લો ડિવાઈસીસ (LFD) માટે કરદાતાઓના લાખો પાઉન્ડનો ખર્ચાયા છે અને હવે તેનો નિકાલ કરવાની ફરજ પડી છે. યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી (UKHSA)એ જણાવ્યા મુજબ અનામી ઉત્પાદક દ્વારા તૈયાર કરાયેલા કેટલાક ટેસ્ટ્સ ઓમિક્રોનના પ્રથમ મોજા દરમિયાન અટકાવી રખાયા હતા કારણકે અન્ય બ્રાન્ડ્સની સરખામણીએ ઓછાં‘ અસરકારક હતા. આ પછી નવા વેરિએન્ટ શોધાયા અને તે ટેસ્ટ્સની સમયમર્યાદા વીતી ગઈ હતી. જોકે, આ ટેસ્ટ્સ કામે લાગ્યા ન હોત તેવા દાવાને વિજ્ઞાનીઓએ પડકાર્યો હતો. UKHSA દ્વારા ડિસેમ્બર 2022માં ઈંગ્લેન્ડમાં ઓમિક્રોન વિરુદ્ધ ઉપયોગ માટે વિવિધ LFDનું પરીક્ષણ કરાયું ત્યારે ટ્રાયલમાં તે અસરકારક હોવાનું પણ જણાયું હતું.
ફ્રીડમ ઓફ ઈન્ફોર્મેશન વિનંતીથી પ્રાપ્ત ડેટા મુજબ રાષ્ટ્રીય સંગ્રહમાં રખાયેલો ટેસ્ટ્સના કુલ 40,742,096 જથ્થાની માર્ચ 2022 સુધીમાં એક્સપાયરી તારીખ વીતી ગઈ હતી. મોટા ભાગનો જથ્થો 2020ના અંત અને 2021ની શરૂઆતમાં ખરીદાયો હતો. મોટા ભાગના લેટરલ ફ્લો ડિવાઈસીસ બે વર્ષ પછી અસરકારક રહેતાં નથી. આ બેદરકારીને મોટું કૌભાંડ ગણાવાયું છે.


