42 હજાર ભારતીય વિદ્યાર્થીઓની ડિગ્રી અટવાઇ

હડતાળના કારણે પરિણામો અટવાતાં બ્રિટન છોડવાનું તોળાતું જોખમ

Tuesday 18th July 2023 11:02 EDT
 
 

લંડનઃ  બ્રિટનમાં ભણતાં 42 હજાર ભારતીય વિદ્યાર્થીઓ પર સ્વદેશ પરત ફરવાનું જોખમ તોળાઈ રહ્યું છે. હકીકતમાં બ્રિટનની 145 યુનિવર્સિટીઓમાં ચાર મહિનાથી હડતાલ ચાલી રહી છે. ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને બ્રિટનમાં વધુ અભ્યાસ અને કામ માટે ડિગ્રી જરૂરી હોય છે. આ સ્થિતિમાં એક્ઝામિનર્સ હડતાળ પર છે અને પ્રશ્નપત્રો ચકાસવામાં આવ્યા નથી. તેથી આ વિદ્યાર્થીઓને બ્રિટનમાં રહેવાનો કાયદાકીય હક રહેશે નહીં. તેમનો વિઝા શૈક્ષણિક સત્ર અનુસાર પૂરો થઈ જશે. બ્રિટનમાં રહેતા લગભગ તમામ વિદ્યાર્થીઓ પાર્ટટાઈમ જોબ પણ કરે છે. વિઝા ન રહેતા તેમને પાર્ટટાઈમ જોબ છોડીને સ્વદેશ પરત ફરવું પડશે. એડિનબરા યુનિવર્સિટીમાંથી એમ.એ. કરી રહેલા સુમિત શર્માએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે હું પીએચ.ડી. માટે અરજી કરી શકતો નથી. જો બે મહિનામાં ડિગ્રી ન મળી તો ફાઇનલ યરના તમામ ભારતીય વિદ્યાર્થીઓને સ્વદેશ પરત ફરવું પડશે. બ્રિટનના નિયમો મુજબ જો કોઈ વિદ્યાર્થી કોર્સ પૂરો થયાના બે મહિનામાં ડિગ્રી ન આપી શકે તો તેને અહીંથી જવું પડે છે. કોલકાતાથી બ્રિટનમાં આવેલા સાયતન ઘોષનું કહેવું છે કે ડિગ્રીના અભાવે હવે ભારતીય વિદ્યાર્થીઓએ સ્વદેશ પરત ફરવું પડશે. ભારતમાં આવીને ફરીથી વિઝા માટે અરજી કરવાની રહેશે. ભારત આવવા-જવા અને વિઝા ફી માટે દરેક વિદ્યાર્થીએ આશરે પાંચ લાખ રૂપિયા ખર્ચવા પડશે. હું અહીં ભાડે રહું છું, જોબ પણ કરું છું. આ બધું ડિસ્ટર્બ થશે. કેટલાક વિદ્યાર્થીઓને તો ડિગ્રીના અભાવે જોબ ઓફર પણ છોડવી પડી છે.

પ્રોવિઝનલ ડિગ્રી આપતાં નથી, હડતાલ અટકવાના અણસાર નથી
ફાઇનલ યરની પરીક્ષા આપી ચૂકેલા ભારતીય વિદ્યાર્થીઓને શિક્ષણ વિભાગ તરફથી, પ્રોવિઝનલ (કામચલાઉ) ડિગ્રી આપવામાં આવી રહી નથી. તેમનું કહેવું છે પ્રશ્નપત્રોની ચકાસણી ન થવાને કારણે વિદ્યાર્થીના ગ્રેડ નક્કી થશે નહીં. પ્રોવિઝનલ ડિગ્રીનો આધાર રહેશે નહીં. બીજી તરફ પગાર વધારાની માંગને લઈને યુનિવર્સિટી-કોલેજ કર્મચારી મંડળ જલદી હડતાલ અટકાવવાના મૂડમાં નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter