45 ટકાનો સ્લેબ નાબૂદ કરવાનો નિર્ણય રદ

યુ ટર્ન માટે જાણીતાં લિઝ ટ્રસને ટોરી સાંસદોના બળવા સામે ઝૂકવું પડ્યું

Wednesday 05th October 2022 04:01 EDT
 
 

લંડન: મિની બજેટમાં રજૂ કરાયેલા કરવેરામાં કાપના પ્રસ્તાવો પર સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીમાં જ વધી રહેલા વિરોધને ભાળી જતાં લિઝ ટ્રસ અને ચાન્સેલર ક્વાસી ક્વારતેંગે અમીરો પર લાગતા 45 ટકા આવકવેરામાં પાંચ ટકાના ઘટાડાને પાછો ખેંચી લેવાની જાહેરાત કરી છે. સોમવારે વહેલી સવારે કરેલા ટ્વીટમાં ચાન્સેલર ક્વારતેંગે જણાવ્યુ હતું કે, અમે સમજી ગયાં છીએ. અમે તમારી રજૂઆતો સાંભળી છે. આ નિર્ણયને પગલે હવે 1,50,000 પાઉન્ડથી વધુની વાર્ષિક આવક ધરાવતા કરદાતાઓએ 45 ટકાના દરે જ આવકવેરો ચૂકવવાનો રહેશે.ચાન્સેલરે જણાવ્યું હતું કે, દેશ સામે રહેલા પડકારો ઝીલવાના અમારા મિશનમા આ નિર્ણય અવરોધરૂપ બની ગયો હતો.
તેથી અમે 45 ટકા આવકવેરામાં પાંચ ટકાનો ઘટાડો કરવાના નિર્ણયને રદ કરી રહ્યાં છીએ.
સોમવારે સવારે આપેલા સંખ્યાબંધ ઇન્ટર્વ્યુમા ચાન્સેલરે 10 દિવસ પહેલાં રજૂ કરેલું મિની બજેટ ભૂલ હતી તેવું સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે જણાવ્યું હતું કે, અમારા મજબૂત પેકેજને વિવાદ દ્વારા નબળું દર્શાવવામાં આવી રહ્યુ હતું. મેં વડાંપ્રધાન લિઝ ટ્રસ સાથે બજેટ અંગે સતત ચર્ચા કરી હતી. 45 ટકાના આવકવેરા માટે અમે અમારા ઘણા સહયોગીઓ અને દેશની જનતા સાથે પણ ચર્ચા કરી હતી.
શું તમે રાજીનામુ આપવા વિચારી રહ્યાં છો? તેવા એક સવાલના જવાબમાં ક્વારતેંગે જણાવ્યુ હતું કે, જરાપણ નહી. હું મારી વિકાસની યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું. અમે ઘણી ઝડપથી કામ કરી રહ્યાં છીએ. તેમણે જણાવ્યું હતું કે, માર્કેટમાં આંતરરાષ્ટ્રીય પરિબળોના કારણે અંધાધૂંધી સર્જાઇ છે.
ક્વારતેંગે જણાવ્યું હતું કે, આ નિર્ણય બાદ અમે સારી રીતે અમારા ગ્રોથ પેકેજ પર ધ્યાન કેન્દ્રિત કરી શકીશું.

લિઝ ટ્રસે ઓળિયો ઘોળિયો ક્વારતેંગના માથે નાખી દીધો
સત્તાપક્ષ અને વિપક્ષમાં વધી રહેલા વિરોધને જોતાં આખરે લિઝ ટ્રસે પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. યુ-ટર્ન લેવા માટે જાણીતા લિઝ ટ્રસે જણાવ્યું હતું કે, મિની બજેટ રજૂ કરતાં પહેલાં મારે તૈયારી કરવાની જરૂર હતી. મને આમાંથી પદાર્થપાઠ શીખવા મળ્યો છે. ભવિષ્યમાં અમે તૈયારી સાથે કામ કરીશું. 45 ટકાના આવકવેરાના દરમાં ઘટાડો કરવાનો નિર્ણય ઓવરઓલ પેકેજનો ભાગ હતો અને ચાન્સેલરની આ પોલિસી અંગે કેબિનેટમાં ચર્ચા થઇ નહોતી. અમીરો પરનો આવકવેરો ઘટાડવાનો નિર્ણય ચાન્સેલરનો હતો. ટ્રસના આ નિવેદન બાદ પૂર્વ કલ્ચર સેક્રેટરી નેડિન ડોરિસે જણાવ્યું હતું કે, વડાંપ્રધાન ચાન્સેલરના માથે ઓળિયો ઘોળિયો નાખી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter