લંડનઃ પાંચ જુલાઇ 1948ના રોજ સરકારે નેશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ)નો પ્રારંભ કરતા સમયે જાહેરાત કરી હતી કે અમીર કે ગરીબ, મહિલા, પુરુષ કે બાળક કોઇપણ વ્યક્તિ એનએચએસમાં વિનામૂલ્યે સારવાર મેળવી શકશે. કેટલીક વિશેષ પ્રકારની સારવાર સિવાય તેમાં કોઇ પ્રકારની ફી વસૂલાશે નહીં. એનએચએસમાં સારવાર માટે કોઇ પ્રકારના વીમાની જરૂર પડશે નહીં પરંતુ આ સેવા કોઇ ચેરિટી નથી. એનએચએસના સંચાલન માટે કરદાતા તરીકે તમે જ તેના નાણા ચૂકવવાના છો. પરંતુ તમારી માંદગીના સમયે તમારે તમારી આર્થિક સ્થિતિની ચિંતા કરવાની રહેશે નહીં. બ્રિટનના તત્કાલિન હેલ્થ મિનિસ્ટર એન્યુરિન બેવને એનએચએસની સ્થાપનામાં મહત્વની ભુમિકા ભજવી હતી.
યુકેમાં સામાજિક કલ્યાણના સીમાસ્થંભ સ્વરૂપ એનએચએસનો 75મો સ્થાપના દિવસ તાજેતરમાં ઉજવાયો. આજે 7.4 મિલિયન જેટલું ભયાનક વેઇટિંગ લિસ્ટ, કર્મચારીઓની તીવ્ર અછત, પગાર વધારાના મુદ્દે કર્મચારીઓ દ્વારા છાશવારે પડાતી હડતાળોથી ઘેરાયેલી ખસ્તાહાલ બનેલી એનએચએસ દિવસના 16 લાખ દર્દીઓને સારવાર આપતી વિશ્વની સૌથી વધુ રોજગાર આપતી સંસ્થાઓ પૈકીની એક છે. બ્રિટનમાં એનએચએસના પ્રારંભ પહેલાં દર્દીઓએ સારવાર માટે જાતે નાણા ચૂકવવા પડતાં હતાં. જે લોકો નોકરી કરતાં હતાં તેમને નેશનલ ઇન્શ્યૂરન્સ સિસ્ટમનો લાભ મળતો હતો.


