5 જૂનથી કિંગ ચાર્લ્સની તસવીર સાથેની ચલણી નોટો જારી કરાશે

બિઝનેસિઝને તેમના મશીનો ચકાસી લેવા બેન્ક ઓફ ઇંગ્લેન્ડની સૂચના

Tuesday 27th February 2024 10:39 EST
 
 

લંડનઃ કિંગ ચાર્લ્સ તૃતીયની તસવીર સાથેની પ્રથમ ચલણી નોટો 5 જૂન 2024થી જારી કરાશે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડે વેપારધંધાઓને સૂચના આપી છે કે તેઓ તેમના મશીન આ નોટોને સ્વીકારશે કે નહીં તે સુનિશ્ચિત કરી લે. પાંચમી જૂનથી 5, 10, 20 અને 50 પાઉન્ડની જારી થનારી ચલણી નોટો પર કિંગની તસવીર રહેશે. નોટની આગલી તરફ કિંગની તસવીર હશે અને સિક્યુરિટી વિન્ડોમાં પણ કિંગની તસવીર જોઇ શકાશે. જો કે અન્ય ડિઝાઇન અને સિક્યુરિટી ફિચર્સમાં કોઇ બદલાવ કરાયાં નથી.

બેન્ક ઓફ ઇંગ્લેન્ડે જણાવ્યું હતું કે, કિંગ ચાર્લ્સની તસવીર સાથેની એટલી જ નોટ જારી કરાશે જેટલી જૂની નોટ રદ કરાઇ હશે. જો ચલણી નોટની માગમાં વધારો થશે તો તેની સંખ્યા વધારવામાં આવશે. અમે રાજવી પરિવાર તરફથી પર્યાવરણ પર થનારા નુકસાન અંગેના માર્ગદર્શનને ધ્યાનમાં રાખીને જ આ દિશામાં આગળ વધી રહ્યાં છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં 320 વર્ષ સુધી કાગળની ચલણી નોટોનો અંત લાવીને 2016માં પ્લાસ્ટિકની ચલણી નોટો દાખલ કરાઇ હતી.

હાલમાં ક્વીન એલિઝાબેથ દ્વિતીયની તસવીર સાથેની નોટો ચલણમાં જારી રહેશે. તેનો અર્થ એ થયો કે જનતાએ જૂની નોટો બદલાવવાની જરૂર રહેશે નહીં. હાલ ક્વીનની તસવીર સાથેની 4.6 બિલિયન નોટ ચલણમાં છે જેનું મૂલ્ય 81 બિલિયન પાઉન્ડ થવા જાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter