લંડનઃ કોરોનાકાળમાં સરકાર દ્વારા અપાયેલી લોનમાં 2.5 મિલિયન પાઉન્ડ કરતાં વધુ રકમનું કૌભાંડ આચરનાર કેમ્બ્રિજશાયરના અલી અમજદ અન તેના સાથીઓને જેલભેગા કરાયાં છે. અલી અમજદને 3 વર્ષ કેદની સજા ફટકારવામાં આવી છે. પોલીસના દરોડા દરમિયાન અલી અમજદના કીચનમાંથી 80,000 પાઉન્ડ રોકડા મળી આવ્યા હતા. અમજદ એમ માનતો હતો કે પોલીસ તેને ક્યારેય ઝડપી શકશે નહીં. તેણે તેના સાથીઓ સાથે મળે વિશ્વભરની કંપનીઓ સાથે 2.5 મિલિયન પાઉન્ડ કરતાં વધુની છેતરપિંડી આચરી હતી.
અમજદે તેના સાથીઓની મદદથી વિશ્વભરમાં આવેલી કંપનીઓ પાસેથી તેમજ લોકડાઉન દરમિયાન યુકે સરકાર દ્વારા અપાતી લોન માટે ખોટી અરજીઓ કરીને 5,00,000 પાઉન્ડ કરતાં વધુ રકમ પ્રાપ્ત કરી હતી. અલી અમજદને આ કૌભાંડમાં 6 અન્ય લોકોએ મની લોન્ડરિંગ માટે પોતાના બેન્ક ખાતાઓનો ઉપયોગ કરવા દઇને મદદ કરી હતી જેના બદલામાં તેમને નાણા ચૂકવાયાં હતાં.
કેમ્બ્રિજશાયર ક્રાઉન કોર્ટ દ્વારા અમજદને આ કૌભાંડમાં મદદ કરનારા 6 અન્ય વ્યક્તિઓને પણ સજા ફટકારવામાં આવી હતી જેમાં કર્ટિસ બ્રાઉનને બે વર્ષની સસ્પેન્ડેડ કેદ, કીથ ગિબલિંગને બે વર્ષ માટે સસ્પેન્ડેડ એવી 10 મહિનાની કેદ, વોરેન લેવરને બે વર્ષ માટે સસ્પેન્ડેડ 1 મહિનાની કેદ, થોમસ પેમ્બરટનને બે વર્ષ માટે સસ્પેન્ડેડ 10 મહિનાની કેદ, જેરોમ સાર્જન્ટને બે વર્ષ માટે સસ્પેન્ડેડ 1 વર્ષ અને 4 મહિનાની કેદ અને ટોમી ફોર્ડહામને 12 મહિનાના કોમ્યુનિટી ઓર્ડરની સજા ફટકારવામાં આવી હતી.