લંડનઃ સ્ટાર્મર સરકાર એપ્રેન્ટિસ યોજનાનું વિસ્તરણ કરવા જઇ રહી છે. સરકારનું માનવું છે કે યોજનાના વિસ્તરણથી 50,000 યુવાઓને લાભ થશે. ચાન્સેલર રેચલ રીવ્ઝે તેમના ઓટમ બજેટમાં યોજનાના વિસ્તરણ માટે આગામી 3 વર્ષમાં 725 મિલિયન પાઉન્ડ ફાળવવાની જાહેરાત કરી હતી. સરકાર એઆઇ, હોસ્પિટાલિટી અને એન્જિનિયરિંગ જેવા સેક્ટરોમાં એપ્રેન્ટિસશિપનું વિસ્તરણ કરશે.
યોજનાના ભાગરૂપે લઘુ અને મધ્યમ બિઝનેસોમાં 25 વર્ષથી નાના યુવાઓને એપ્રેન્ટિસશિપ આપવા માટે સરકાર સંપુર્ણ આર્થિક સહાય કરશે. હાલમાં બિઝનેસ દ્વારા 5 ટકા ચૂકવાય છે. સરકાર એપ્રેન્ટિસશિપમાં ઘટતી જતી યુવાઓની સંખ્યા વધારવા માગે છે. છેલ્લા એક દાયકામાં એપ્રેન્ટિસશિપમાં જોડાતા યુવાઓની સંખ્યામાં 40 ટકાનો ઘટાડો થયો હતો.
પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત સરકાર પહેલા 140 મિલિયન પાઉન્ડની ફાળવણી કરશે. ડિપાર્ટમેન્ટ ઓફ વર્ક એન્ડ પેન્શનના જણાવ્યા અનુસાર સ્થાનિક મેયરો નોકરીદાતાઓનો સંપર્ક કરવા માટે યુવાઓને મદદ કરશે. તે ઉપરાંત એઆઇ, એન્જિનિયરિંગ અને ડિજિટલ સ્કીલ સહિતના સેક્ટરોમાં ટૂંકા અભ્યાસક્રમો પણ શરૂ કરાશે.


