500 વર્ષ જૂની રોયલ મેઇલ 5 બિલિયન પાઉન્ડમાં વેચાશે?

ચેક અબજોપતિની ઓફર રોયલ મેઇલની પેરેન્ટ કંપનીએ સ્વીકારી લીધી

Tuesday 04th June 2024 13:13 EDT
 
 

લંડનઃ રોયલ મેઇલની માલિકી ધરાવતી કંપનીના બોર્ડે 500 વર્ષ જૂની સંસ્થાના વિધિવત ટેકઓવરની ઓફર સ્વીકારી લીધી છે. ચેક બિલિયોનર ડેનિયલ ક્રેટિન્સ્કી દ્વારા રોયલ મેઇલના ટેકઓવર માટે 5  બિલિયન પાઉન્ડની ઓફર અપાઇ છે. રોયલ મેઇલમાં 1,50,000 કરતાં વધુ કર્મચારી કામ કરી રહ્યાં છે. ડેનિયલે જણાવ્યું હતું કે, હું રોયલ મેઇલના ઇતિહાસ અને પરંપરાનું બહુ સન્માન કરું છું.

ડેનિયલ રોયલ મેઇલના ટેકઓવર બાદ રોયલ મેઇલનું નામ, બ્રાન્ડ, યુકેમાં હેડક્વાર્ટર, યુકેમાં જ ટેક્સ ચૂકવવા, કર્મચારીઓના લાભ અને પેન્શન યથાવત રાખવા સહમત થયાં છે. જોકે હજુ બિઝનેસ સેક્રેટરી કેમી બેડનોક અને ડેનિયલ વચ્ચે કોઇ મુલાકાત યોજાઇ નથી. નેશનલ સિક્યુરિટી એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એક્ટ અંતર્ગત આ સોદાની ચકાસણી અને રદ કરવાનો અધિકાર સરકાર ધરાવે છે.

બજારના વતૃળોના જણાવ્યા અનુસાર વર્તમાન અને ભવિષ્યની સરકારો આ સોદાને અટકાવી શકે છે કારણ કે રોયલ મેઇલની પેરેન્ટ કંપનીના શેર ડેનિયલને ડિસ્કાઉન્ટ રેટ પર ઓફર કરવામાં આવી રહ્યાં છે. આ માટે વિદેશી રોકાણકારે પ્રતિ શેર 360 પેન્સ અને 2 પેન્સ ડિવિડન્ડ અને 8 પેન્સનું સ્પેશિયલ ડિવિડન્ટ ચૂકવવાની ઓફર આપી છે. આ રકમ 3.57 બિલિયન પાઉન્ડ થાય છે. તે ઉપરાંત રોયલ મેઇલનું દેવુ ઉમેરો તો આ રકમ 5.3 બિલિયન પાઉન્ડ પર પહોંચે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter