લંડનઃ સુનાક સરકારના ચાન્સેલર જેરેમી હન્ટ આગામી સંસદની ચૂંટણી પહેલાંનું સંભવિત છેલ્લું બજેટ 6 માર્ચના રોજ રજૂ કરશે. ત્યારે સૌની નજર સુનાક સરકાર દ્વારા કરવેરામાં કેવી અને કેટલી રાહત અપાશે તેના પર રહેલી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2023ના અંતે યુકેનું અર્થતંત્ર મંદીમાં સરી પડ્યું હતું. જોકે આ મંદી ઘણી હળવી હોવાનો દાવો કરાયો છે. બિઝનેસ કે લોકો પર તેની ઝાઝી અસર વર્તાઇ નહોતી.
સુનાક સરકાર અત્યાર સુધી સંકેત આપતી આવી છે કે તે કરવેરામાં કાપ મૂકવા ઇચ્છે છે. પરંતુ તેના માટે સરકારની તિજોરીમાં પુરતા નાણા હોવા જરૂરી છે. સરકાર મોટા બદલાવ કરી શકે તેટલું ભંડોળ તેની પાસે ઉપલબ્ધ નથી. સરકારના દેવા અંગેના આંકડા દર્શાવે છે કે ચાન્સેલર પાસે દાવ પર લગાવવા માટે થોડા બિલિયન પાઉન્ડ જ હશે.
જનતાને સૌથી મોટી આશા એ છે કે સરકાર આવકવેરામાં ઘટાડો કરે. જોકે આવકવેરામાં 1 ટકાનો ઘટાડો પણ સરકારને 7 બિલિયન પાઉન્ડની ખોટ કરાવી શકે છે. ચાન્સેલર નેશનલ ઇન્શ્યુરન્સ કન્ટ્રીબ્યૂશનમાં વધુ ઘટાડો કરીને જનતાને રાહત આપી શકે છે.
સરકાર ઇંધણો પરની ડ્યુટીમાં ઘટાડો કરે તેવી સંભાવના ઘણી ઓછી છે. માર્ચ મહિનાથી ઇંધણોની ડ્યુટીમાં પાંચ ટકાનો વધારો પ્રસ્તાવિત છે જ. પરંતુ સરકાર જો તેનો અમલ ન કરે તો તેને 2 બિલિયન પાઉન્ડની ખાધ સહન કરવી પડશે.
બીજીતરફ એક અગ્રણી થિન્ક ટેન્ક ઇન્સ્ટિટ્યુટ ઓફ ફિસ્કલ સ્ટડીઝેજણાવ્યું છે કે કરવેરામાં કાપ કેવી રીતે પરવડશે તેની સ્પષ્ટતા ન કરી શકે ત્યાં સુધી સરકારે કરવેરામાં કાપ મૂકવો જોઇએ નહીં. ગયા મહિને ચાન્સેલર હન્ટે સંકેત આપ્યો હતો કે તેઓ કરવેરામાં રાહત આપવા માટે સરકારી ખર્ચાઓ પર કાપ મૂકી શકે છે. પરંતુ આઇએફએસ કહે છે કે ખર્ચના કાપનો હથોડો કોના પર પડશે તેની ચોક્કસ માહિતી વિના સરકારે કરવેરામાં રાહત આપવી જોઇએ નહીં.


