6 મે 2023ના રોજ વેસ્ટમિન્સ્ટર આબે ખાતે કિંગ ચાર્લ્સ તૃતિયની તાજપોશી

7મી મેના રોજ બિગ લંચ અને રંગારંગ કોન્સર્ટનું આયોજન, 8મી મેના રોજ બેન્ક હોલીડે, સમગ્ર દેશ ઉજવણી કરશે

Wednesday 25th January 2023 06:25 EST
 
 

લંડન

રંગારંગ કોન્સર્ટ અને સમગ્ર બ્રિટનમાં સ્ટ્રીટ પાર્ટીઓ મધ્યે 6 થી 8 મે 2023ના દિવસોમાં કિંગ ચાર્લ્સ તૃતિયની તાજપોશી યોજાશે. આ તાજપોશીમાં નવા રાજા પોતાને જનતાના રાજા તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરશે. સત્તાવાર તાજપોશી 6 મેના રોજ વેસ્ટમિન્સ્ટર આબે ખાતે યોજાશે જેમાં કિંગ ચાર્લ્સ તૃતિય સદીઓની પરંપરા તોડીને રાજવી પરિવારના પરંપરાગત પરિધાનને બદલે લશ્કરી યુનિફોર્મમાં તાજ ગ્રહણ કરશે. આ પહેલાં તેઓ રાજવી પરિવારના સભ્યો સાથએ બકિંગહામ પેલેસથી વેસ્ટમિન્સ્ટર આબે પહોંચશે. રસ્તાની બંને તરફ સશસ્ત્ર સેનાના જવાનો નવા રાજાનું અભિવાદન કરશે. તેમની સાથે ક્વીન કોન્સોર્ટ કેમિલાની પણ તાજપોશી થશે. કિંગ ચાર્લ્સ માને છે કે રાજવી પરિધાન જૂનવાણી લાગે છે અને તેઓ ઇચ્છે છે કે તેમની તાજપોશીમાં 21મી સદીની આધુનિક રાજાશાહીનું પ્રતિબિંબ ઝળકે. વેસ્ટમિન્સટર આબે ખાતે તાજપોશી બાદ કિંગ ચાર્લ્સ હજારો લોકોનું અભિવાદન ઝીલતાં બકિંગહામ પેલેસ પહોંચશે. બકિંગહામ પેલેસની બાલ્કનીમાંથી તેઓ રાજવી પરિવારના સભ્યો સાથે આમ જનતાનું આભિવાદન સ્વીકારશે.

7મે 2023ના રોજ રાત્રે વિન્ડસર કેસલ ખાતે રંગારંગ કોન્સર્ટનું આયોજન કરાશે અને તેનું પ્રસારણ વિશ્વભરમાં કરાશે. જેમાં યુકેના એમેચ્યોર ટ્રુપ્સના વિવિધ ક્વાયર, રેફ્યુજી ક્વાયર, નેશનલ હેલ્થ સર્વિસ ક્વાયર, એલજીબીટીક્યુ સિંગિંગ ગ્રુપ્સ અને ડીફ સિંગિંગ ક્વાયર દ્વારા વિવિધ કાર્યક્રમો રજૂ કરાશે. કોમનવેલ્થ દેશોના વિવિધ ગાયકો અને સંગીતકારો પણ આ કોન્સર્ટમાં હાજરી આપશે. કોન્સર્ટ દરમિયાન સમગ્ર દેશમાં પ્રોજેક્શન, લેસર અને ડ્રોન ડિસ્પ્લે દ્વારા મહત્વના સ્થળોને શણગારાશે. 7 મેન  રોજ કોરોનેશન બિગ લન્ચનું આયોજન પણ કરાયું છે. 8મી મે 2023ના રોજ સમગ્ર યુકેમાં બેન્ક હોલિડે જાહેર કરાયો છે તેથી દેશમાં તમામ પ્રકારના કામકાજ બંધ રહેશે. આ પ્રસંગે લંડનમાં લાખો લોકો ઉમટી પડે તેવી સંભાવના છે. તાજપોશીમાં કિંગ ચાર્લ્સ નિરાશ્રીતો, દેશી વૈવિધ્યતા અને સ્વયંસેવાને મહત્વ આપશે.

કિંગ ચાર્લ્સની તાજપોશીના પ્રોસેશનમાં પ્રિન્સ અને પ્રિન્સેસ ઓફ વેલ્સ તેમના સંતાનો પ્રિન્સ જ્યોર્જ, પ્રિન્સેસ શાર્લોટ અને પ્રિન્સ લૂઇસ સાથે જોડાશે. પ્રિન્સ હેરી ને તેમનો પરિવાર પણ આ પ્રસંગે હાજર રહે તેવી સંભાવના છે. તેમની સાથે કિંગ ચાર્લ્સના ભાઇ- બહેન અર્લ ઓફ વેસેસ્કસ અને પ્રિન્સેસ રોયલ પણ સામેલ થશે. પ્રિન્સ એન્ડ્રુ પણ આ પ્રસંગે હાજર રહેશે પરંતુ તેમને મિલિટરી યુનિફોર્મ પહેરવાની પરવાનગી અપાશે કે કેમ તે હજુ નક્કી નથી. પ્રિન્સ હેરી અને તેમના પરિવારને બકિંગહામ પેલેસની બાલ્કનીમાં સ્થાન અપાશે કે કેમ તે હજુ નક્કી કરાયું નથી.

કિંગ ચાર્લ્સ તૃતિયની તાજપોશી આર્ચબિશપ ઓફ કેન્ટરબરી જસ્ટિન વેલ્બી દ્વારા કરાવાશે પરંતુ પેલેસ દ્વારા સપ્તાહાંતમાં આધુનિક બ્રિટનના નિર્માણમાં યોગદાન આપનાર સમુદાયો અને સંસ્કૃતિના લોકો માટે પણ અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter