લંડનઃ અમદાવાદ ખાતે ક્રેશ થયેલી એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટના મૃતકોના પરિવારજનો હાલમાં ચાલી રહેલી તપાસ સામે ઘણા નારાજ છે. હવે તેમણે 787-8 ડ્રીમલાઇનર વિમાનનું નિર્માણ કરતી બોઇંગ કંપની સામે અમેરિકામાં કેસ દાખલ કરવાની તૈયારી શરૂ કરી છે. પરિવારજનોએ કોકપિટ વોઇસ રેકોર્ડર અને ડેટા રેકોર્ડરની વિગતો માગી સ્વતંત્ર તપાસ કરાવવાની માગ કરી છે.
પીડિત પરિવારોએ કેસ લડવા માટે અમેરિકન વકીલ માઇક એન્ડ્રુઝને રોક્યા છે. તેઓ ગંભીર ઇજા અને અકુદરતી મોતના કેસ લડવાના નિષ્ણાત મનાય છે. ભૂતકાળમાં પણ તેઓ એરક્રાફ્ટ, ટ્રક અને કાર નિર્માણ કરતી કંપનીઓ સામે કેસ લડી ચૂક્યા છે.
આ કરૂણાંતિકામાં 3 પરિવારજનને ગુમાવનાર તૃપ્તિ સોનીએ અન્ય પરિવારોને પણ તપાસમાં સામેલ કરવા માગ ઉઠાવી છે. તૃપ્તિને ડર છે કે દુર્ઘટનાની તટસ્થ તપાસ થઇ રહી નથી. તેમણે જણાવ્યું હતું કે, અમે બધાએ ભેગા મળીને કાયદા કંપની સાથે કરાર કર્યા છે. જેથી અમને ન્યાય મળી શકે. આ પગલા દ્વારા પીડિત પરિવારો ન્યાય અને જવાબદારી નક્કી કરવાની માગ કરી રહ્યાં છે.


