લંડનઃ 60 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વાર ઇંગ્લેન્ડના જીપી હડતાળ પર જઇ રહ્યાં છે. આ માટે સમગ્ર ઇંગ્લેન્ડમાં યોજાયેલા મતદાનમાં મોટી સંખ્યામાં જીપીએ હડતાળનું સમર્થન કર્યું હતું. તેમની આ હડતાળ મહિનાઓ સુધી ચાલી શકે છે.
બ્રિટિશ મેડિકલ એસોસિએશનના જણાવ્યા અનુસાર 8500 કરતાં વધુ જીપીએ આ મતદાનમાં હિસ્સો લીધો હતો અને 98.3 ટકા મત હડતાળની તરફેણમાં પડ્યાં હતાં. ડોક્ટરોએ જણાવ્યું હતું કે, ગુરુવારથી જ તેમની હડતાળનો પ્રારંભ થઇ જશે અને તે મહિનાઓ સુધી ચાલી શકે તેમ છે.
તાજેતરમાં જીપીને નેશનલ કોન્ટ્રાક્ટ ઓફર કરાયો હતો જે અંતર્ગત તેમને પગાર અને કોન્ટ્રાક્ટની રકમમાં 2 ટકા વધારાની ઓફર અપાઇ હતી. તેમણે આ કોન્ટ્રાક્ટ નકારી કાઢતાં વિવાદનો પ્રારંભ થયો હતો.
હડતાળ અંતર્ગત હવે જીપી પ્રતિ દિવસ ફક્ત 25 દર્દીઓનું નિદાન કરશે. સામાન્ય સંજોગોમાં તેઓ પ્રતિ દિવસ 60થી 70 દર્દીને તપાસતાં હોય છે. તેઓ દર્દીનો ડેટા એનએચએસને આપવાનો અથવા તો દર્દીને સીધા સ્પેશિયાલિસ્ટ પાસે મોકલવાનો ઇનકાર કરી દેશે અને એનએચએસની પ્રક્રિયાઓને અનુસરશે નહીં.
આરોગ્ય અગ્રણીઓએ ચેતવણી આપી છે કે જીપીની હડતાળ એનએચએસ માટે મોટી હોનારત સમાન પૂરવાર થશે. સૌથી વધુ મુશ્કેલીનો સામનો દર્દીઓએ કરવો પડશે. છેલ્લા 60 વર્ષમાં પહેલીવાર જીપીએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. જોકે 2012નીડોક્ટરોની હડતાળમાં કેટલાક જીપી જોડાયાં હતાં.

