લંડનઃ ઇંગ્લેન્ડમાં વિવિધ સ્થળ ખાતે ગેરકાયદેસર ડમ્પ કરાયેલ 4275 ટન કચરાના સંદર્ભમાં રજિસ્ટર્ડ વેસ્ટ બ્રોકર વરૂણ દત્તાને 1.4 મિલિયન પાઉન્ડ ચૂકવવા આદેશ અપાયો છે. એન્વાયરમેન્ટ એજન્સીએ નોર્થ ઇસ્ટથી સાઉથ ઇસ્ટ સુધીના 16 સ્થળ તપાસમાં શોધી કાઢ્યા હતા.
સેન્ટ્રલ લંડનના બેલગ્રેવિયાનો 36 વર્ષીય વરૂણ દત્તા 2015થી રજિસ્ટર્ડ વેસ્ટ બ્રોકર છે. તેણે હજારો ટન કચરો લિન્કનશાયર, કેમ્બ્રિજશાયર, લેન્કેશાયર, કેન્ટ, સરે, રુટલેન્ડ અને મિડલ્સબરોની ગેરકાયદેસર સાઇટ્સ પર કચરાનો નિકાલ કરાવ્યો હતો. જેમાં ખેતરો, ઐતિહાસિક મેનોર હાઉસ અને નેચર રિઝર્વનો સમાવેશ થાય છે.
સરકારે જણાવ્યું હતું કે, આ ગેરકાયદેસર કચરાના નિકાલનો ચોંકાવનારો કેસ છે. વરૂણ દત્તા વેસ્ટ ક્રિમિનલ છે. દત્તાએ જૂન 2025માં તેનો અપરાધ સ્વીકારી લીધો હતો. વરૂણ દત્તા દ્વારા નિકાલ કરાયેલ ગેરકાયદેસર કચરાનું વજન 600 આફ્રિકન હાથી જેટલું હતું. બર્મિંગહામ ક્રાઉન કોર્ટે જણાવ્યું હતું કે, દત્તાનો અપરાધ ઘણો ગંભીર છે અને તેના કારણે જમીન માલિકોને કચરો હટાવવા માટે ઘણા નાણા ખર્ચ કરવા પડ્યા હતા. કોર્ટે દત્તાને તેણે મેળવેલા આર્થિક લાભ પેટે 1.1 મિલિયન પાઉન્ડ, વળતર પેટે 1 લાખ પાઉન્ડ અને પ્રોસિક્યુશન કોસ્ટ પેટે 2 લાખ પાઉન્ડ ચૂકવવા આદેશ આપ્યો હતો.


