લંડનઃ 7 જુલાઇ 2005ના રોજ લંડનમાં થયેલા બોમ્બ વિસ્ફોટની 20મી વરસી પર કિંગ ચાર્લ્સ તૃતીય, વડાપ્રધાન સર કેર સ્ટાર્મર, ગણમાન્ય વ્યક્તિઓ અને લંડનવાસીઓએ બોમ્બ બ્લાસ્ટમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. બીજા વિશ્વયુદ્ધ બાદ લંડનમાં આ સૌથી ઘાતકી હુમલો હતો. અલકાયદાથી પ્રેરિત બ્રિટિશ આતંકવાદીઓ દ્વારા 3 સબવે ટ્રેન અને એક બસ પર કરાયેલા આ આતંકી હુમલામાં 52 લોકોના મોત થયાં હતાં અને 770થી વધુ ઘવાયાં હતાં. યુરોપની ધરતી પરનો આ પ્રથમ આત્મઘાતી હુમલો હતો.
આ પ્રસંગે હાઇડ પાર્ક સ્થિત 7/7 મેમોરિયલ ખાતે હુમલામાં માર્યા ગયેલા લોકોને પ્રિન્સ વિલિયમ, વડાપ્રધાન કેર સ્ટાર્મર અને લંડનના મેયર સાદિક ખાન દ્વારા સવારે 8.50 કલાકે પુષ્પાંજલિ અર્પણ કરાઇ હતી. 20 વર્ષ પહેલાં આજ સમયે પહેલો બોમ્બ વિસ્ફોટ થયો હતો. જે સબવે સ્ટેશનો પર બોમ્બ વિસ્ફોટ થયાં હતાં ત્યાં પણ પ્રવાસીઓ, રેલવે સ્ટાફ અને અન્ય લોકો દ્વારા એક મિનિટનું મૌન પાળ્યું હતું.
વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે, આત્મઘાતી હુમલાઓમાં જીવનો ગુમાવનાર અને જેમના જીવનો હંમેશ માટે બદલાઇ ગયાં તેમને આખો દેશ એકજૂથ થઇને શ્રદ્ધાંજલિ આપે છે. જેઓ આપણને વિભાજિત કરવા ઇચ્છતા હતા તેઓ નિષ્ફળ ગયાં છે. આપણે ત્યારે પણ એકજૂથ હતાં અને આજે પણ છે.
મેયર સાદિક ખાને જણાવ્યું હતું કે, હું નફરત ફેલાવનારાઓને કહેવા માગુ છું કે તમે ક્યારેય જીતી શકશો નહીં. લંડન એકજૂથ છે. અમે ભય ઉપર આશા, વિભાજનની સામે એકતાને પસંદ કરીએ છીએ અને તમામ માટે સુરક્ષિત શહેરનું નિર્માણ જારી રાખીશું.
આ પ્રકારના હુમલા ઇસ્લામના સાચા શિક્ષણ વિરુદ્ધઃ જાબીર બટ્ટ (ઓબીઇ)
રેસ ઇક્વાલિટી ફાઉન્ડેશનના ચીફ એક્ઝિક્યુટિવ જાબીર બટ્ટ (ઓબીઇ)એ ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ પ્રકારના હુમલા ઇસ્લામના સાચા શિક્ષણ વિરુદ્ધ છે. કટ્ટરવાદીઓએ હિંસાને વ્યાજબી ગણાવવા ધર્મનો દુરુપયોગ કર્યો હતો. બહુમતી મુસ્લિમોએ આ હુમલાને વખોડી કાઢ્યો હતો. તેમ છતાં આતંકવાદીઓના ઇસ્લામના નામે કરાયેલા કૃત્યને કારણે બ્રિટિશ મુસ્લિમોને રેસિઝમ અને નફરતનો ભોગ બનવું પડ્યું હતું.