7 ટકા પગાર વધારાની ઓફર થતાં ફાયર બ્રિગેડની હડતાળ મોકૂફ

વેલ્શના શાળા શિક્ષકોએ પણ ઓફરને પગલે હડતાળ મોકૂફ રાખી

Tuesday 14th February 2023 14:52 EST
 
 

લંડન

ફાયર બ્રિગેડના કર્મચારીઓને પગાર વધારાની ઓફર અપાતાં તેમણે તેમની પ્રસ્તાવિત હડતાળ પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે. મંત્રણાઓ દરમિયાન ફાયર સર્વિસ એમ્પ્લોયર્સે યુનિયનોને સુધારેલી ઓફર આપી હતી જેમાં જુલાઇ 2022ની પાછલી અસરથી 7 ટકા અને જુલાઇ 2023થી પાંચ ટકાનો પગાર વધારો આપવાનો પ્રસ્તાવ મૂકાયો હતો. જેના પગલે ફાયર બ્રિગેડ યુનિયને પ્રસ્તાવિત હડતાળ મોકૂફ રાખીને આ કરાર પર યુનિયનમાં મતદાન કરાવવાનો નિર્ણય કર્યો છે.બીજીતરફ વેલ્શ સરકારે સ્કૂલ ટીચર્સને પગાર વધારાની ઓફર આપતાં તેમણે પણ હડતાળ મોકૂફ રાખી હતી. નેશનલ એજ્યુકેશન યુનિયને જણાવ્યું હતું કે, અમે સભ્યો સાથે ચર્ચા કરીને 14 ફેબ્રુઆરીની હડતાળ મોકૂફ રાખીશું. વેલ્શ સરકારે આ વર્ષના 5 ટકા વધારાની સાથે વધુ 1.5 ટકા પગાર વધારો આપવાની શિક્ષકોને ઓફર કરી છે. સરકારે જણાવ્યું હતું કે, અમે શિક્ષકોના કામનો બોજો ઘટાડવાના પ્રયાસ પણ કરી રહ્યાં છીએ.

 લંડનના બસ ડ્રાઇવરોને 18 ટકાનો પગાર વધારો અપાયો

લંડનમાં એબેલિઓ દ્વારા સંચાલિત બસના 1800 જેટલા ડ્રાઇવરોએ 20 દિવસની હડતાળો બાદ ઓફર કરાયેલો 18 ટકાનો પગાર વધારો સ્વીકારી લીધો છે. કર્મચારીઓ સાથે થયેલા કરાર અંતર્ગત બે વર્ષથી વધુ સમયથી નોકરીમાં રહેલા ડ્રાઇવરને હવે પ્રતિ કલાક 18 પાઉન્ડનું વેચન ચૂકવવામાં આવશે જે બેઝિક રેટ કરતાં 18 ટકાનો વધારો દર્શાવે છે.

રેલવે કર્મચારીઓએ પગારવધારાની નવી ઓફર ઠુકરાવી

બ્રિટનના સૌથી મોટા રેલવે કર્મચારી યુનિયને ટ્રેન કંપનીઓ દ્વારા અપાયેલી પગાર વધારાની નવી ઓફરને નકારી કાઢી છે. જેના કારણે આગામી સમયગાળામાં રેલવેની હડતાળો જનતાની પીડામાં વધારો કરશે. નેશનલ યુનિયન ઓફ રેલ, મેરીટાઇમ એન્ડ ટ્રાન્સપોર્ટ વર્કર્સે જણાવ્યું હતું કે, 40,000 કર્મચારીઓ સાથે સઘન વિચારણા બાદ પગાર વધારાની નવી ઓફર ઠુકરાવી દેવામાં આવી છે. નવી ઓફર અમારા સભ્યોની માગણીઓ સંતોષે તેવી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter