લંડનઃ છેલ્લા 7 મહિનામાં યુકેમાં ગેરકાયદેસર રીતે કામ કરતા 4000 માઇગ્રન્ટની ધરપકડ કરી છે. બોર્ડર સ્ટાફ દ્વારા નેઇલ બાર, કાર વોશ અને ટેકઅવે સહિત 5400 બિઝનેસ પર દરોડા પડાયા હતા. ઝડપાયેલા મોટાભાગના માઇગ્રન્ટ્સમાં ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવેલા અને વિઝાની મુદત પૂરી થયા બાદ પણ યુકેમાં રોકાણ કરનારા વિદેશીઓનો સમાવેશ થાય છે. ગેરકાયદેસર માઇગ્રન્ટને કામ આપનારા બિઝનેસને પ્રતિ વર્કર 60,000 પાઉન્ડ સુધીનો દંડ ફટકારવામાં આવે છે. જુલાઇ 2024થી અત્યાર સુધીમાં 1090 સિવિલ પેનલ્ટી નોટિસ જારી થઇ ચૂકી છે.
જુલાઇ 2024થી અત્યાર સુધીમાં 19,000 માઇગ્રન્ટ્સને દેશનિકાલ કરાયાં
જુલાઇ 2024થી અત્યાર સુધીના છેલ્લા 7 મહિનામાં સરકારે રાજ્યાશ્રય મેળવવામાં નિષ્ફળ ગયેલાં, અપરાધીઓ સહિતના 19,000 માઇગ્રન્ટ્સને દેશનિકાલ કર્યાં છે. સરકાર દ્વારા દેશનિકાલ કરાતા માઇગ્રન્ટ્સને દર્શાવતો વીડિયો પહેલીવાર જારી કરાયો છે. સરકાર દ્વારા ગેરકાયદેસર માઇગ્રેશન પર લગામ કસવા નવું બોર્ડર સિક્યુરિટી, અસાયલમ એન્ડ ઇમિગ્રેશન બિલ લાવવામાં આવ્યું છે. હાલ હાઉસ ઓફ કોમન્સમાં તેનું સેકન્ડ રીડિંગ ચાલી રહ્યું છે.
યુકેમાં 12 લાખ ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ હોવાનો અંદાજ
વર્ષ 2001ની વસતી ગણતરીના આધારે હોમ ઓફિસ દ્વારા છેલ્લે 2005માં યુકેમાં કેટલા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ છે તેનો સત્તાવાર હિસાબ કરાયો હતો જેમાં આ સંખ્યા 3,10,000થી 5,70,000 હોવાનું અંદાજવામાં આવ્યું હતું. માર્ચ 2020ના આંકડા અનુસાર 91,612 વિદેશીઓ વિઝાનો સમય વીતી ગયા છતાં યુકેમાં રોકાઇ ગયાં હતાં. જેમાં 54000 વિઝિટર વિઝા, 7250 સ્ટુડન્ટ વિઝા અને 6000 વર્ક વિઝા પર યુકે આવ્યા હતા. અન્ય 24,500 અન્ય પ્રકારના વિઝા પર યુકે આવ્યા હતા. થિન્ક ટેન્કો, યુનિવર્સિટીઓ અને કેમ્પેનર્સ દ્વારા કરાતા બિનસત્તાવાર રિસર્ચ અનુસાર હાલમાં યુકેમાં 6,00,000થી 12 લાખ લોકો ગેરકાયદેસર વસવાટ કરી રહ્યાં છે.
1273 ભારતીય નાગરિકને દેશનિકાલ કરાયાં
હોમ ઓફિસના જણાવ્યા અનુસાર દર મહિને યુકેમાંથી સેંકડો ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ અને વિદેશી અપરાધીઓને દેશનિકાલ કરવામાં આવી રહ્યાં છે. દેશનિકાલ કરાયેલા 75 ટકા માઇગ્રન્ટ્સ સ્વૈચ્છાએ કોમર્શિયલ ફ્લાઇટમાં દેશ છોડીને ગયાં હતાં જ્યારે 39 ચાર્ટર ફ્લાઇટમાં બ્રાઝિલ, વિયેટનામ અને આલ્બેનિયા સહિતના દેશોના નાગરિકોને તેમના વતનમાં પરત મોકલાયાં હતા. જોકે આ સમયગાળામાં ઇંગ્લિશ ચેનલ પાર કરીને 24,793 માઇગ્રન્ટ્સ યુકેમાં આવ્યા હતા. સરકાર દ્વારા 1273 ભારતીય, 1601 બ્રાઝિલિયન, 1227 આલ્બેનિયન, 1186 રોમાનિયન, 441 તૂર્ક અને 408 ચીની નાગરિકોને દેશનિકાલ કરાયા હતા.