7 વર્ષથી ભારતની જેલમાં કેદ જગતાર જોહલને જામીન આપવા દિલ્હી હાઇકોર્ટનો ઇનકાર

જોહલ વિરુદ્ધ આતંકવાદ સહિતના 7 કેસ, યુકે સરકારની દરમિયાનગીરીની માગ

Tuesday 24th September 2024 10:18 EDT
 
 

લંડનઃ ભારતની જેલમાં છેલ્લા 7 વર્ષથી અટકાયતમાં રખાયેલા સ્કોટલેન્ડના જગતારસિંહ જોહલને દિલ્હી હાઇકોર્ટ દ્વારા જામીન આપવાનો ઇનકાર કરી દેવાયો છે. જગતારના પરિવારે યુકેની સરકારને તેમની સાથે થઇ રહેલા અન્યાયને અટકાવવાની માગ કરી છે. ભારતની તપાસ એજન્સી એનઆઇએ દ્વારા જગતારસિંહ જોહલ વિરુદ્ધ 7 કેસ નોંધવામાં આવ્યાં છે.

જગતાર પર ઉત્તર ભારતમાં રાજકીય હિંસામાં સંડોવણી સહિત આતંકવાદના આરોપ મૂકાયા છે. 2017માં તે પંજાબની મુલાકાતે આવ્યા ત્યારે તેમની ધરપકડ કરાઇ હતી. જગતારના ભાઇ ગુરપ્રીત સિંહ જોહલે જણાવ્યું હતું કે, મારો ભાઇ જેલમાં હોવો જોઇએ નહીં. તેણે માનવ અધિકાર માટે કામ કર્યાં છે. અમે આ વાત પહેલા દિવસથી કહેતા રહ્યાં છીએ. ભારતની તપાસ એજન્સીઓ મારા ભાઇ વિરુદ્ધ કોઇ પુરાવા રજૂ કરી શકી નથી કારણ કે તેની વિરુદ્ધ કોઇ પુરાવા છે જ નહીં. મારા ભાઇને જામીન ન આપવાનો નિર્ણય બતાવે છે કે આખી સિસ્ટમ તેની વિરુદ્ધ કામ કરી રહી છે. યુકે સરકારે જગતારને વતન પરત લાવવા પગલાં લેવાની જરૂર છે.

2017માં જગતારની ધરપકડ કરનાર અધિકારીએ પણ કોર્ટમાં કબૂલાત કરી હતી કે જગતાર વિરુદ્ધ કોઇ પુરાવા નથી. યુએનના કાયદા નિષ્ણાતો પણ કહી ચૂક્યાં છે કે જગતારની ધરપકડ અન્યાયી છે અને તેમની માનવ અધિકાર માટેની કામગીરી માટે લક્ષ્યાંક બનાવવામાં આવી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter